મુંબઈ: જાણીતા ડાન્સર અને અભિનેત્રી આરતી દાસનું 76 વર્ષની વયે નિધન થયું છે. આરતી દાસ બંગાળી અભિનેત્રી હતા. તેઓ ‘મિસ શેફાલી’ના નામે ઓળખાતા હતાં. તેમના પરિવાર પાસેથી મળેલી જાણકારી અનુસાર, ગુરૂવારે પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા સ્થિત આરતી દાસનું તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજ્યું હતું. શેફાલીના મોતના સમાચાર સાંભળીમે મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાવુક થયા હતાં.

તેમની ભત્રીજી એલ્વિન શેફાલીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે અચાનક આરતી દાસની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓને ગભરામણ થવા લાગી હતી ત્યાર બાદ સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મૃત્યુ થયું છે. આ સિવાય આરતી દાસ કેટલાય સમયથી કિડનીની બિમારીથી પણ પરેશાન હતાં.

આરતી દાસ 60-70ના દાયકાના ખુબ જ જાણીતા ડાન્સર અને અભિનેત્રી હતા. તેમણે સિનેમાના દિગ્ગજ નિર્દેશક સત્યજીત રે સાથે પ્રતિદ્વંદી અને સીમાબદ્ધ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ક્વીન ઓફ કૈબરે’ના નામથી પણ જાણીતા હતાં. આરતી દાસે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ચૌરંગી’થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1968માં આવી હતી.

આરતી દાસે પોતાના ડાન્સ અને અભિનયથી લાખો લોકોના દીલ જીતી લીધા હતા. ફિલ્મો સિવાય તેઓ થિયેટરનું પણ ખુબ મોટું નામ હતા. તેમણે ‘સમ્રાટ ઓ સુંદરી’, ‘સાહેબ બીવી ઓર ગુલામ’ અને ‘અશ્લીલ’ જેવા અનેક શાનદાર નાટક પણ કર્યાં હતા.