વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ)ને લઈ ભડકેલા આક્રોશના લીધે અસમમાં જાપાની પીએમ શિન્ઝો આબેની સાથે શિખર સંમેલનનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો પરંતુ કેન્દ્ર સરકારના એક બીજા નિર્ણયે તસવીર સંપૂર્ણપણે બદલી નાંખી હતી. કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં ગુરૂવારે રસ્તા અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યા હતાં. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયને કોકરાઝારમાં બાઈક રેલી પણ કાઢી હતી.

પીએમના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી આજે અસમમાં કોરરાઝારની મુલાકાત લેશે જ્યાં તેઓ બોડો કરાર પર હસ્તાક્ષર થવાનો જશ્ન મનાવા માટે આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થવાના છે. આ અવસર પર મોદી બોડો સમજૂતી અંગે લોકોને સંબોધન આપશે. સમજૂતી પર 27મી જાન્યુઆરી 2020ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કર્યાં હતા.

બોડો શાંતિ કરારના સ્વાગતમાં અસમના કોકરાઝાર જિલ્લામાં લોકોએ લાખો દીવડા પ્રગટાવી ખુશી વ્યક્ત કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ થયા બાદ અને એનઆરસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર નોર્થ-ઈસ્ટના કોઈ રાજ્યની મુલાકાતે જઈ રહ્યાં છે.

આ મુલાકાત પર રાજ્યમાંથી કેવી પ્રતિક્રિયાઓ મળે છે. કારણ કે પૂર્વોત્તરમાં એનઆરસી અને સીએએને લઈ ખૂબ નારાજગી સામે આવી છે. જોકે આજે કોકરાઝારમાં પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગતમાં લોકો દીપ પ્રગટાવી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.