મુંબઈ: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં એક જોરદાર વીડિયો શેર કર્યો હતો જેમાં અભિનેત્રી કેટરિના કૈફ સાવરણીથી કચરો વાળતી જોવા મળી હતી. આ વીડિયો ખુદ અક્ષય કુમારે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ના સેટ પર શૂટ કર્યો હતો. વીડિયોમાં અક્ષય બેકગ્રાઉન્ડમાંથી પૂછે છે કે, ‘કેટરિનાજી, તમે આ શું કરી રહ્યાં છો?’ ત્યાર બાદ કેટરિના કચરો વાળતાં વાળતાં જવાબ આપે છે કે, સફાઈ કરી રહી છું, સફાઈ.

અક્ષય કુમારે શેર કરેલા આ વીડિયાનો કેપ્શનમાં લખ્યું હતું કે, ‘સ્વચ્છ ભારત’ની નવી બ્રાન્ડ એમ્બેસેડર!. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મ 27 માર્ચે રિલીઝ થશે તેવું સોશિયલ મીડિયા અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચા થઈ રહી છે.

રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બની રહેલી તેના ‘કોપ યુનિવર્સ’ની આ પોલીસ એક્શન ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અજય દેવગણ અને રણવીર સિંહ પણ અનુક્રમે ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ તરીકે જોવા મળશે. આ ફિલ્મ કરણ જોહર અને રોહિત શેટ્ટીનું પહેલું પ્રોડક્શન વેન્ચર પણ છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ પર અક્ષયની જ જૂની ફિલ્મ ‘મોહરા’નું ‘ટિપ ટિપ બરસા પાની’ ગીત રિક્રિએટ કરવામાં આવ્યું છે.