નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને તેમના જ એફ-16 વિમાનને તોડી પાડનારા જાંબાઝ પાયલટ અભિનંદનને વધુ એક સન્માન મળવા જઇ રહ્યું. એટલે કે હવે અભિનંદન વર્તમાન પર એક ફિલ્મ બનવા જઇ રહી છે. આ ફિલ્મ માટે મંજૂરી પણ મળી ગઇ છે અને ટુંકસમયમાં તેનુ શૂટિંગ શરૂ થશે.

બૉલીવુડે વાયુસેનાના વીર જવાન પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને અસલી ટ્રિબ્યૂટ આપવા માટે એક ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ફિલ્મ મેકર સરકાર પાસે મંજૂરી માગી રહ્યાં હતા, હવે આના પર ફિલ્મ બનાવવાની મંજૂરી બૉલીવુડના એક્ટર વિવેક ઓબેરૉયને મળી ગઇ છે. વિવેક ઓબેરૉય ફિલ્મમાં અભિનંદનનો રૉલ નિભાવશે.



એક ન્યૂઝ પોર્ટલનુ માનીએ તો બાલાકોટ એરસ્ટ્રાઇક પર ફિલ્મ બનાવવા માટે એક્ટર વિવેક ઓબેરૉયે મંજૂરી લઇ લીધી છે. ફિલ્મનુ શૂટિંગ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને આગરામાં કરવામાં આવશે. શૂટિંગની શરૂઆત 2020માં કરવામાં આવશે. સંભાવના છે કે ફિલ્મ ત્રણ ભાષાઓમાં (હિન્દી, તામિલ, તેલુગુ)માં બનાવવામાં આવશે.



નોંધનીય છે કે, પાકિસ્તાની આતંકી સમૂહે ભારતના પુલવામાં એટેક કરીને જવાનોને શહીદ કર્યા હતા, બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. હવાઇ યુદ્ધમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાની સેનાના હાથે ચઢી ગયો હતો, જોકે, અભિનંદને હવાઇ એટેકમાં પાકિસ્તાનના એફ-16 વિમાનને ભારતીય મિગ-21 વિમાનથી તોડી પાડ્યુ હતુ. બાદમાં આંતરરાષ્ટ્રીય કૂટનીતિક જીતના કારણે અભિનંદન હેમખેમ પાકિસ્તાનમાંથી ભારત પરત ફર્યો હતો.