મુંબઇઃ કોરોના વાયરસનો ચેપ લાગવાથી  હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા અનિલ સૂરીનું નિધન થયું છે. કોરોના વાયરસના ચેપના કારણે 77 વરસના સૂરીને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા કે જ્યાં તેમનું  નિધન થયું છે. આઘાતજનક વાત એ છે કે, સૂરીને દાખલ કરવા માટે બે મોટી હોસ્પિટલોએ ઈન્કાર કરી દીધો હતા. અનિલ સૂરીની અંતિમવિધીમાં માત્ર 4 જ વ્યક્તિ હાજર રહ્યા હતા અને દરેકે પીપીઈ કીટ પહેરી હતી.

અનિલ સૂરીએ  રાજ કુમાર અને રેખા અભિનિત કર્મયોગી અને રાજતિલક જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. અનિલના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

અનિલનો ભાઇ રાજીવ સૂરી પણ નિર્માતા છે. રાજીવ સૂરીએ અનિલ સૂરીના  નિધનના સમાચાર આપતાં જણાવ્યું હતું કે, અનિલને 2 જૂનથી તાવ આવવાનું શરૂ થયું હતું અને બીજા દિવસે તેની તબિયત વધુ બગડી ગઇ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ ગઈ હતી. અનિલને અમે  મુંબઈની બે મોટી અને જાણીતી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ આ બંને હોસ્પિટલે કોરોનાવાયરસનો ચેપ લાગેલો હોવાથી અનિલ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બહુ રખડ્યા પછી પછી અમે તેને રાત્રે એક એડવાન્સ મલ્ટીસ્પેશિયાલિટિ હોસ્પિટલમાં લઇ ગયા.

અનિલ કોવિડ 19નો ભોગ બન્યો હતો અને સમયસર સારવાર ના મળતાં તેની હાલત બગડી હતી.  ગુરુવારે સાંજે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો અને એ જ સાંજે સાત વાગ્યાની આસપાસ તેનું નિધન થઇ ગયું હતું.  અનિલના અંતિમ સંસ્કાર શુક્રવારે ઓશિવારા સ્મશાનમાં કરવામાં આવ્યા હતા જેમાં પરિવારની ચાર વ્યક્તિ જ સામેલ થઈ હતી. દરેક વ્યક્તિએ પીપીઇ કિટ પહેરી હતી.