નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર દેશભક્તિ કન્ટેન્ટ બેસ્ડ ફિલ્મો માટે જાણીતો ચહેરો છે. અહેવાલ છે કે, અક્ષય કુમાર ડાયરેક્ટર નીરજ પાંડેની અપકમિંગ ફિલ્મમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલની ભૂમિકા ભજવતા જોવા મળશે. અક્ષય કુમાર આ પહેલા નીરજ પાંડેની મૂવી બેબી અને સ્પેશ્યિલ 26માં કામ કરી ચૂક્યા છે. હવે આ હિટ જોડી ત્રીજી વખત સાથે જોવા મળશે.

મુંબઇ મિરરના અહેવાલ અનુસાર, અજિત દોવાલનાં જીવન પર બનનારી આ ફિલ્મમાં તેમનાં જીવનનાં ખાસ બિંદુઓ દર્શાવવામાં આવશે. જોકે, આ ફિલ્મ શરૂ થવામાં હજુ થોડો સમય લાગશે. કારણ કે, અક્ષય કુમાર હાલમાં 'મિશન મંગલ' અને 'સૂર્યવંશી' ને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે. જ્યારે તેની પાસે હજુ 'બચ્ચન પાંડે' છે જેનું કામ ચાલુ છે.



'બેબી' અને 'સ્પેશલ 26' જેવી ફિલ્મો બાદ આ નિર્માતાઓ માટે આ જોડી સૌથી વધુ કમાણી કરનારી બની ગઇ છે. આપને જણાવી દઇએ કે NSA અજીત દોવાલે સર્જિકલ સ્ટ્રાઇકને લિડ કરી હતી. તેમને ઇન્ડિયન રોબિનહૂડ માનવામાં આવે છે.

નોંધનીય છે કે, અજીત દોવાલે પાકિસ્તાનમાં જાસૂસ તરીકે કામ કર્યુ છે. તેઓ સાત વર્ષ પાકિસ્તાનમાં ભારત તરફથી અંડર કવર જાસૂસ બનીને રહી ચુક્યા છે. તે ત્યાં મુસલમાન બનીને રહેતા હતાં. એમ માનવામાં આવે છે કે, તેમણે ભારત પરત ફર્યા બાદ ઘણાં મહત્ત્વના ઓપરેશનને અંજામ આપ્યો છે.