ઓસ્કર એવોર્ડની ગણતરી મનોરંજનની દુનિયામાં સૌથી મોટા એવોર્ડ તરીકે થાય છે, જેને લઈને તે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. પરંતુ આ વર્ષે ઓસ્કર 2022માં કંઈક એવી ઘટના બની છે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. કદાચ ઓસ્કરના ઈતિહાસમાં આવી ઘટના પહેલા ક્યારેય નથી બની. હકિકતમાં બધુ એકદમ બરાબર ચાલી રહ્યું હતું એવોર્ડ આપવાનો સિલસિલો પર યથાવત હતો, બધાની નજર આ કાર્યક્રમ પર મંડાયેલી હતી.


પરંતુ ત્યારે જ અચાનક આ કાર્યક્રમમમાં સન્નાટો છવાઈ ગયો જ્યારે એક્ટર વિલ સ્મિથે પ્રિજેન્ટર ક્રિસ રોકના ચહેરા પર થપ્પડ મારી દીધી. જો કે ક્રિસે તેને મજાકના રૂપમાં લીધું, પરંતુ આમ કરવા પર વિલની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. આ થપ્પડ કાંડનો વીડિયો પર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.


શું એક્ટર પાસેથી પરત લઈ શકાય છે ઓસ્કર


જ્યારથી વિલે થપ્પડ મારી છે ત્યારથી ચર્ચા શરૂ થઈ છે કે તેમની પાસેથી ઓસ્કર પરત લઈ શકાય છે? તમને જણાવી દઈએ કે વિલ સ્મિથે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. પરંતુ એવોર્ડ કરતા તેની થપ્પડની ચર્ચા સોશિયલ મીડિયા પર વધુ થઈ રહી છે. ન્યૂયોર્ક પોસ્ટના સમાચાર મુજબ વિલ સ્મિથ પાસેથી તેમનો એવોર્ડ પરત માગી શકાય છે. હકિકતમાં આ આયોજન એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાઈન્સ (The Academy of Motion Picture Arts and Sciences)તરફથી કરવામાં આવ્યું હતું. જેની ગાઈડલાઈન પ્રમાણે આ કોડ ઓફ કન્ડક્ટ છે. વેબસાઈટ સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું કે, આ એક રીતે હુમલો કરવા બરાબર છે. આ ઘટના સમયે બધા લોકો દંગ રહી ગયા હતા. સૂત્રના મતે વિલ પોતાનો એવોર્ડ પરત આપવા તૈયાર નહીં થાય પરંતુ આગળ શું થશે એ કહેવું મુશ્કેલ છે.


કેવી રીતે બની આ ઘટના?


વાસ્તવમાં ક્રિસ રોક ડોક્યુમેન્ટરી ફીચર માટે ઓસ્કાર એવોર્ડ દેવા માટે સ્ટેજ પર આવ્યા હતા. આ દરમિયાન ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ પર કોમેન્ટ કરી, જેના કારણે સ્મિથ ગુસ્સે થઈ ગયો, તે સ્ટેજ પર પહોંચ્યો અને તેણે ક્રિસ રોકના ચહેરા પર મુક્કો મારી દીધો. હકીકતમાં, ક્રિસ રોકે ફિલ્મ G.I Jane 2ને લઈને વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. જેડાની ટાલ પર ટિપ્પણી કરતા ક્રિસ રોકે કહ્યું કે, ટાલ હોવાના કારણે જ તેને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. વિલ સ્મિથે મુક્કો મારતા ક્રિસ રોક થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયો હતો. વિલ સ્મિથે ક્રિસને કહ્યું હતું કે મારી પત્નીનું નામ તારા મોંઢા પર ન આવવું જોઈએ.