નવી દિલ્હીઃ બોલિવૂડની અભિનેત્રી ઝાયરા વસીમે ફિલ્મ ઉદ્યોગ છોડવાના સમાચારોથી સિને જગતને ઝાટકો લાગી ગયો છે. ઝાયરા વસીમે બોલિવૂડ છોડી દેવાની જાહેરાત કરી દીધી છે. તેને ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને પોતાના દિલની વાત કહી છે. તેને લખ્યું છે કે તે ફિલ્મ એકટિંગ અને કરિયરના કારણે ધર્મથી દૂર જઇ રહી હતી તેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવવા પર તે પોતાના ધર્મ ઇસ્લામથી દૂર થઇ રહી છે. આ નિર્ણય પર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે.



બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ રવીના ટંડને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી લખ્યું છે કે માત્ર બે ફિલ્મ જુનો કોઈ કલાકાર તેને અઢળક પ્રગતિ આપનાર બોલિવૂડથી ખુશ નથી તો એ વાતથી કોઈ ફર્ક નથી પડતો. તેણે પુરતા સન્માન સાથે અહીંથી નીકળી જવું જોઈએ અને પોતાના દૃષ્ટિકોણને પોતાના સુધી જ મર્યાદીત રાખવો જોઈએ.



જાણીતી લેખક તસ્લિમા નાસરીન લખે છે, "આ સાંભળ્યા પછી, રુવાટા ઊભા થયા કે ઝાયરા વસીમ હવે અભિનય છોડવા માંગે છે કારણ કે તેને લાગે છે કે આ કારકિર્દીથી અલ્લાહ પ્રતિ તેમનો વિશ્વાસ સંપૂર્ણ રીતે બગાડ્યો છે. તે એક મૂર્ખ નિર્ણય છે. મુસ્લિમ સમાજમાં અનેક ટેલેન્ટ બુર્કમાં દબાવવામાં આવે છે.



2017માં ઝાયરા વસીમે સિક્રેટ સુપરસ્ટારમાં પણ આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે ઝાયરાને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિકનો એવોર્ડ મળ્યો હતો. નાની ઉંમરમાં જ ઝાયરાને અનેક એવોર્ડ મળ્યાં હતાં. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝાયરા બહુ જલદી 'સ્કાય ઈઝ પિંક'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પ્રિયંકા ચોપરાની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે.