લંડનઃ શ્રીલંકાએ  વેસ્ટ ઇન્ડિઝને 23 રનથી હરાવ્યું હતું. 339 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 50 ઓવરમાં નવ વિકેટના નુકસાન પર 315  રન  બનાવી શકી હતી.   વેસ્ટ ઇન્ડિઝ તરફથી   નિકોલસ પૂરને 98 બોલમાં સદી ફટકારી હતી. આ તેની પ્રથમ ઇન્ટરનેશનલ સદી હતી. જોકે, નિકોલસ પૂરન 118 રન બનાવી આઉટ થયો હતો. તે પોતાની ટીમને જીતાડી શક્યો નહોતો. મેચના અંતમાં એલને 51 રનના શાનદાર ઇનિંગ રમ્યો હતો.


વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝે 12 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સુનીલ અંબરિસ પાંચ રન બનાવી મલિંગાનો શિકાર બન્યો હતો. બાદમાં શાઇ હોપ પણ 5 રને આઉટ થયો હતો. હેટમેરે 29, જેસન હોલ્ડરે 26, ક્રિસ ગેઇલે 35, બ્રેથવેઇટે 8 રનનું યોગદાન આપ્યું હતું.  શ્રીલંકા તરફથી મલિંગાએ ત્રણ, રજિંથા અને વેન્ડેર્સીએ એક-એક વિકેટ લીધી હતી.

આ અગાઉ શ્રીલંકાએ 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી 21 વર્ષીય આવીષ્કા ફર્નાન્ડોએ 103 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તે સિવાય કુશલ પરેરાએ 64 ,લાહિરૂ થિરિમાનેએ 45 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ માટે જેસન હોલ્ડરે 2 વિકેટ લીધી હતી. જેસન હોલ્ડરે ટોસ જીતીને બોલિંગ લીધી હતી.