સૌરભ પટેલ, રમણ વોરા, રજનીકાન્ત પટેલનાં પત્તાં કેમ કપાયાં ? કેમ થઈ વસુબેનની બાદબાકી ? જાણો
મોરી ભાજપના જૂના જોગી છે પણ રાજ્યના તમામ જિલ્લાઓને પ્રતિનિધીત્વ મળે તેવી વ્યૂહરચનાના કારણે છત્રસિંહને દૂર કરાયા છે. મોરીને સંગઠનમાં સ્થાન મળે તેવી શક્યતા છે. તેમનો પ્રબાવ મર્યાદિત છે તેથી તે બાજુ પર મૂકાય તેવી શક્યતા છે.
રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે કાન્તિભાઈ ગામીતની નોંધ લેવાય એવી કોઈ કામગીરી નહોતી. આદિવાસી સમાજમાંથી આમ પણ પ્રધાનોની ફેરબદલી સતત થયા કરે છે અને તેના ભાગરૂપે ગામીતને હટાવાયા છે.
પાટીદાર અનામત આંદોલનના કારણે ગોવિંદ પટેલનો ભોગ લેવાયો. ગોવિંદપટેલની કામગીરી ખરાબ નહોતી પણ પાટીદારોને મનાવવા માટે જે નવાં સમીકરણો ભાજપે રચ્યાં છે તેમાં ગોવિંદ પટેલ ફિટ નહોતા બેસતા. તેમને સંગઠનમાં સ્થાન મળશે.
કચ્છમાં ભાજપના જૂના જોગી મનાતા તારાચંદ છેડા પ્રધાનમંડળમાં ખાસ કોઈ કમાલ નહોતા બતાવી શક્યા. ભાજપનું લક્ષ્ય હાલમાં પાટીદારો અને દલિતોને પોતાની તરફ વાળવાનું છે. આ સમીકરણોમાં છેડા ફિટ નહોતા બેસતા તેથી તેમને દૂર કરાયા.
વસુબેન ત્રિવેદી:- રાજ્ય કક્ષાનાં શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદીને આનંદીબેન પટેલ સાથેની નિકટતા નડી ગઈ. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે તેમની કામગીરી સારી નહોતી. ગુજરાતમાં બાળકો સૌથી વધારે કુપોષિત છે તેવી છાપ પડી તેથી પણ વસુબેનનું પત્તુ કપાઈ ગયું.
મંગુભાઈ પટેલ:- આદિવાસી નેતા મંગુભાઈની ઈમેજ સ્વચ્છ છે તેથી તેમની હકાલપટ્ટી આશ્ચર્યજનક છે પણ મંગુભાઈ પટેલને વિધાનસભાના સ્પીકર તરીકે મૂકાય તેવી શક્યતા છે. અથવા તો ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ મૂકાય કે જેથી આદિવાસી સમાજ ભાજપ તરફ વળે.
રજનીકાન્ત પટેલ:- પાટીદાર આંદોલન વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ ગયેલા રજનીકાન્ત પટેલની હકાલપટ્ટી નક્કી મનાતી હતી. પાટીદારોને સૌથી વધારે આક્રોશ રજનીકાન્ત પટેલ સામે છે. પાટીદારોને શાંત પાડવા માટે રજનીકાન્તને દૂર કરાયા છે.
રમણલાલ વોરા:- ભાજપના દલિત આગેવાનોમાં સૌથી જૂના રમણલાલ વોરાને ઉનાની ઘટના નડી છે. ઉનાની ઘટનાને પગલે ફાટી નિકળેલો દલિતોનો આક્રોશ ઠારવામાં નિષ્ફળતાએ તેમનો ભોગ લીધો. જો કે વોરાને વિધાનસભાના સ્પીકર બનાવી દેવાય તેવી પૂરી શક્યતા છે.
સૌરભ પટેલ:- અંબાણી પરિવારના જમાઈ સૌરભ પટેલની બાદબાકી સૌથી આંચકાજનક છે. આનંદીબેન મંત્રીમંડળમાં નાણા મંત્રી જેવું મહત્વનું ખાતું સંભાળતા સૌરભ પટેલને આનંદીબેન પટેલ સાથેની નિકટતા અને મુખ્યમંત્રીપદની મહત્વાકાંક્ષા નડી ગઈ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રીપદના શપથ લઈ લીધા છે. તેમની સાથે બીજા 24 પ્રધાનોએ પણ શપથ લીધા છે. રૂપાણીએ કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે તો આનંદીબેન પટેલ સરકારના કેટલાક જૂના પ્રધાનોને રવાના કરી દીધા છે. આ પૈકી કેટલાક ચહેરાની બાદબાકીએ આશ્ચર્ય સર્જ્યું છે ત્યારે ક્યા પ્રધાનની ક્યા કારણસર બાદબાકી થઈ તેના પર નજર નાંખવા જેવી છે.