ખાનગી શાળાઓમાં ભણતાં બાળકોના વાલીઓ હમણાં ફી ન ભરવા શિક્ષણ મંત્રીની સૂચના, જાણો બીજું શું કહ્યું ?
આ ફરિયાદો બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલના સંચાલકોએ ફી વસૂલવામાં અને વાલીઓએ ફી ભરવામાં ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી તાકીદ કરી છે. રાજ્યભરના શાળા સંચાલકો અને વાલીઓને ખાતરી આપતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને જણાવ્યું હતું કે, ફી કેટલી અને ક્યારે વસૂલવી તે સહિતની તમામ બાબતો પ્રત્યે વાલીઓ અને શાળા સંચાલકોમાં ગેરસમજણ ફેલાઈ છે.
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્ધારા ખાનગી સ્કૂલો દ્ધારા મનફાવે તે રીતે લેવાતી ફી પર અંકુશ લગાવવા માટે બિલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે નવા સત્ર દરમિયાન સ્કૂલના સંચાલકો દ્ધારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ઉંચી ફીને લઇને નિવેદન આપ્યું છે.
શિક્ષણમંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્ધારા ઉચ્ચ શિક્ષણ ફી પર અંકુશ લગાવ્યા બાદ પ્રેરાઇને ઉત્તર પ્રદેશની સરકારે પણ સ્વનિર્ભર સ્કૂલોમાં ફી નિર્ધારણ કરવા અમલમાં મૂકાયેલા વિધેયકની જાણકારી માંગી છે. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ ગુજરાતના વિધેયકની જાણકારી માંગી હોવાથી રાજ્ય સરકાર તેમને સવિસ્તર માહિતી પૂરી પાડશે.
ચૂડાસમાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ તેની સ્પષ્ટતા કરશે. ફી નિર્ધારણ કમિટી દ્વારા સ્વનિર્ભર પ્રાથમિક સ્કૂલોને સ્વતંત્ર રીતે વધુમાં વધુ 15 હજાર રૂપિયા અને માધ્યમિક સ્કૂલોને 25 હજાર રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને રૂ. 27 હજાર ફી વસૂલવાની મંજૂરી અપાઈ છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ફી સમિતિએ નિયત કરેલી ફીની રકમ કરતાં સ્કૂલના સંચાલકો વધુ ફી વસૂલવા માંગતા હોય તો તેમણે ફી કમિટી પાસેથી મંજૂરી લેવાની રહેશે. અમદાવાદ સહિત કેટલીક સ્કૂલોના સંચાલકો અત્યારથી જ તેમની રીતે ફી વધારો કરીને એક સાથે સમગ્ર વર્ષની ફી ભરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેથી વાલીઓમાં રોષની લાગણી ફેલાતાં રાજ્ય સરકારે સંચાલકોને ફી વસૂલવામાં ઉતાવળ ન કરવાની તાકીદ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ કમિટીની રચના કર્યા પછી જરૂરી પરિપત્રો અને સૂચનાઓ બહાર પડે તે પહેલાં જ કેટલીક સ્વનિર્ભર સ્કૂલોના સંચાલકોએ એકસાથે આખા વર્ષની કે પછી જૂની ફીમાં પણ ફીવધારો કરીને ફી વસૂલવાની શરૂઆત કરી દીધી હોવાની ફરિયાદ ઊઠી છે.