'આનંદીબેનને સાચી વાત કહેવાની કિંમત મેં ચુકવી, બેનને આંગળી ઊંચી કરે એવા લોકો જ પસંદ છે'
ગાંધીનગરઃ આજે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું, તેમાં ગુજરાતના મનસુખ વસાવાને પડતા મુકાયા છે. આ વિસ્તરણ પહેલાં વસાવાએ પોતાને કેમ પડતા મુકાયા તે અંગેના કારણો એક અખબાર સાથેની વાતચીતમાં આપ્યા હતા. તેમણે આ વાતચીતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે ખુલ્લેઆમ બળાપો કાઢીને પ્રહાર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનસુખ વસાવાએ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સોમવારે સાંજે દિલ્હી પહોંચ્યા પછી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમને મળવા બોલાવ્યા હતા. તેમને મળ્યા ત્યારે પ્રમુખ સાથે ભાજપના નેતા રામલાલ પણ હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખે મને કહ્યું કે તમારે રાજીનામુ આપવાનું છે. એટલે મેં આ અંગે કોઇ કારણ પુછ્યું નથી. મારા નિવાસસ્થાને આવીને તુરત જ રાજીનામાનો પત્ર મેં મોકલી આપ્યો હતો.
વસાવા કહે છે કે, ભાજપ સત્તામાં ન હતો એટલે કે 1995 પહેલાં આદિવાસીઓ માટે ફરી ફરીને એમના પ્રશ્નોનું હક્કપત્રક તૈયાર કરાયું હતું. આ સમસ્યાઓના ઉકેલ માટે હવે જ્યારે ભાજપ ગુજરાતમાં અને કેન્દ્રમાં સત્તામાં આવ્યો, ત્યારે સ્વાભાવિક રીતે ઉકેલ આવે એવુ સમાજ ઇચ્છે.
વસાવાએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, તેઓ કેટલાય સમયથી ભરૂચ જિલ્લા સહિતના આદિવાસી સમાજ માટે શિક્ષણ, સિંચાઇ અને આરોગ્ય જેવા પ્રાથમિક સુવિધાના મુદ્દે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમજ સંબંધિત પ્રધાનોને મળીને રજૂઆતો કરતા રહ્યા હતા. જોકે, આ સમસ્યાઓનો કોઇ ઉકેલ આવતો ન હોવાથી તેમણે એક પત્ર મુખ્યમંત્રીને સંબોધીને લખ્યો હતો અને એવી આડકતરી ચીમકી ઉચ્ચારી હતી કે, વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓના ઉકેલની દિશામાં કોઇ પગલાં લેવાઇ રહ્યા નથી.
આથી જો હવે સમસ્યાઓ નહીં ઉકલે તો તેઓ કેન્દ્રીય પ્રધાન પદેથી રાજીનામુ ધરી દેશે. આ મુદ્દો એમને નડી ગયો છે, તેવુ તેમણે રાજીનામુ આપ્યા પછી કબુલ્યું હતું. તેમણે કહ્યું કે, સાચી વાતની કિંમત ચૂકવવી પડી છે. તેમની ફરિયાદ છે કે, આ રજૂઆતોને કારણે મુખ્યમંત્રી એટલા તો નારાજ થઈ ગયા હતા કે, તેઓ મતવિસ્તારમાં કોઇ કાર્યક્રમમાં વ્યસ્ત હોય કે પ્રવાસમાં હોય ત્યારે જ કાર્યક્રમો ગોઠવાતા હતા. એટલે પક્ષમાં રજૂઆતો કરાતી કે, વસાવા કાર્યક્રમોમાં આવતા નથી. ખરેખર તો તેમને જાગૃત લોકો પસંદ નથી, ફક્ત આંગળી ઊંચી કરે અથવા મૌન રહે તેવા લોકો જ પસંદ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -