દ્વારકામાં 15 જેટલા ISના આતંકીઓ ઘૂસ્યા હોવાની આશંકા, અપાયું એલર્ટ
સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારતમાં અને ખાસ કરીને સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાનને જોડતા ગુજરાતના દરિયાઇ વિસ્તાર પર પણ ખાસ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે. દરમિયાન ગઈ કાલે રાતે આઇબીને દ્વારકાના દરિયાઇ માર્ગે 15 જેટલા આતંકવાદી ઘૂસ્યાની માહિતી મળી હતી.
દ્વારકાઃ દ્વારકામાં 15 જેટલા આઇએસના આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના ગુપ્તચર એજન્સીના ઇનપુટ પછી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આતંકીઓ જગત મંદિરને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાની અને 15 જેટલા આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવી છે. દરિયાઇ માર્ગે આ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકા છે.
રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલે જણાવ્યું હતું કે, સિક્યુરિટી એજન્સીને કેટલાક ઇનપુટ મળ્યા છે અને તેના પગલે દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે વધુ કોઇ વિગતો આપી નથી. જોકે, સર્ચ ઓપરેશન ચાલુ છે. આ અંગે રાજ્ય અને કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંપર્ક ચાલુ છે. દ્વારકાના પોલીસવડા આર.જે.પારઘીએ પણ દ્વારકા અને બેટ દ્વારકામાં સુરક્ષા વધારવામાં આવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું.