સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાએ ભાજપ છોડ્યું, આજે કોંગ્રેસમાં જોડાશે, જાણો ભાજપની કઈ મતબેંકો પર પડશે અસર?
કોંગ્રેસના શાસનમાં અશોક ડાંગર રાજકોટના મેયર હતા. ત્યાર બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા. શામજીભાઈ ચૌહાણ ચોટીલાના ધારાસભ્ય હતા પણ તેમને ટિકીટ ના મળતાં તેમણે ભાજપને છોડી દીધો હતો.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ ને કોંગ્રેસ એકબીજાના નેતાઓને તોડવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ સિલસિલામાં રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર અને ચોટીલાના ભૂતપૂર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને ખેંચી જવામાં કોંગ્રેસ સફળ રહી છે.
અશોક ડાંગર આહિર સમાજના નેતા છે અને રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે. શામજીભાઈ ચૌહાણ કોળી સમાજના નેતા છે. તેમના જોડાવાથી જસદણ વિધાનસભા બેઠક પરથી જીતવા માગતા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને તકલીફ પડશે તેવું મનાય છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ફાયદો થશે.
અશોક ડાંગરે મંગળવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જ્યારે શામજીભાઈ ચૌહાણે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને રામ રામ કર્યા હતા. આ બંને નેતા બુધવારે કોંગ્રેસમાં જોડાઈ જશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં બંને કોંગ્રેસમાં જોડાશે.