તાલાલાઃ ફિયાન્સીને મળવા ગયેલા યુવકની કોણે કરી હત્યા? હત્યા પાછળ શું હતું કારણ?
ગીર સોમનાથઃ તાલાલના ધાવા ગીરમાં થયેલી યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. સગાઇના એક મહિના પછી યુવક પોતાની ફિયાન્સીને તેના ગામે ગયો હતો. જ્યાં તેનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે, યુવકના પિતાએ હત્યા થઈ હોવાની ફરિયાદ કર્યા પછી પોલીસે તપાસ કરતાં ખૂદ ફિયાન્સીએ જ યુવકની હત્યાર કરી હોવાનું સામે આવ્યું હતું.
જીગ્નેશની સગાઇ કાજલ સાથે થઇ હતી, પણ કાજલને જીગ્નેશ ગમતો ન હોય જીગ્નેશ જ્યારે બોરવાવ ગીર ગયો ત્યારે તેમની સાથે ઝઘડો કરી કાજલે જીગ્નેશને પેટમાં છરી મારી દીધી હતી. પોલીસે યુવાનના પિતાની ફરિયાદ લઇ કાજલ કરશન બાંભણીયા સામે ખુનનો ગુનો દાખલ કરી અટકની તજવીજ હાથ ધરી છે. આ બનાવથી તાલાલા પંથક કોળી સમાજમાં ભારે ચકચાર ફેલાયેલો છે.
આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ કરી હતી. પરંતુ જીગ્નેશનું મૃત્યુ અકસ્માતે છરી વાગવાથી નહીં પણ જીગ્નેશને છરી મારી મારી નાખવામાં આવેલ હોવાના શંકા જીગ્નેશના પરીવારજનોએ વ્યક્ત કરી હતી. ગત અઠવાડીયે તાલાલા મામલતદારને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
તાલાલા તાલુકાના ધાવાગીર ગામના જીગો ઉર્ફે જીગ્નેશ કાળુ શિયાળની સગાઇ બોરવાવ ગીર ગામની કાજલ કાળા કરશન બાંભણીયાની સાથે થઇ હતી. ગત તા. ૭-૮-૧૭ના જિગ્નેશ તેમના સસરાને ત્યાં બોરવાવ ગીર ગામે ગયેલ ત્યારે પેટમાં છરીનો ઘા વાગતા સારવાર માટે તાલાલા હોસ્પિટલે લાવેલ જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.
આ અંગેની વિગત એવી છે કે, ધાવા ગીર ગામના યુવાનની સગાઇ થયા બાદ તે એક માસ પૂર્વે પોતાના સાસરે બોરવાવ ગીર ગામે જતાં તેને પેટમાં છરી વાગતા તેનું મોત થતા અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. પરંતુ મૃતકના પિતાએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી તાલાલા મામલતદારને તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. પોલીસે તપાસ કરતા યુવતીને આ યુવક ગમતો ન હોઇ છરી ઝીંકી હત્યા કર્યાનું કબૂલ્યું હતું.