‘પાસ’એ રાદડિયાને આપી શું ચેલેન્જ? હાર્દિકે ભાજપની મહિલાઓને આપી શું સલાહ? જાણો વિગત
આ સભામાં પાસના સૌરાષ્ટ્રના લલિત વસોયાએ વિઠલભાઇ રાદડિયાને પડકાર ફેંકતા કહ્યું હતું કે, 9 એપ્રિલે જામકંડોરણાના પટેલ ચોકમાં સભા યોજાશે, તમારામાં તાકાત હોય તો રોકી લેજો. આ ઉપરાંત ધ્રોલમાં 1 લાખ લોકો ભેગા થશે અને મા ઉમા અને ખોડલ માતાજીની પ્રતિમાનું સ્થાપન કરાશે.
જામનગર: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનને ફરી વેગવંતુ બનાવવા માટે સભાઓ યોજવા માંડી છે. તેના ભાગરૂપે રવિવારે બપોરે જામજોધપુરમાં શિહોરા સ્કૂલના ગ્રાઉન્ડમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાર્દિકે પાટીદાર મહિલાઓને સલાહ આપી હતી કે, ભાજપનો કોઇપણ હોદ્દો ધરાવતા હો તો રાજીનામા આપી દો. હું ક્યારેય મત માગવા નહીં આવું, હંમેશા સમાજનું કામ કરતો રહીશ. ક્યારેય કોઇ પક્ષમાં જોડાવવાનો નથી માત્ર સમાજ સાથે જોડાયેલો રહીશ.
હાર્દિકે કહ્યું હતું કે, હવે પછીના દરેક કાર્યક્રમમાં આપણે બેસવાને બદલે ઉભા રહીને કાર્યક્રમ આપીશું. હાર્દિકના પ્રવચન દરમિયાન લોકો ઉભા રહીને હાર્દિકને સાંભળ્યો હતો. આજે નોટ લેવા અને વોટ દેવા લાઇનમાં ઊભું રહેવું પડે છે. દેવકી ગાલોળમાં સભા પહેલાં સરકારે 144ની કલમ લગાવી દીધી છે, પરંતુ સભા તો યોજાશે જ.
આ સભામાં હાજર લોકોને સંબોધતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લેઉવા અને કડવા પટેલ સમાજના ભાગલા પાડવા મથી રહી છે પરંતુ પાટીદાર સમાજ હંમેશા એક રહ્યો છે અને રહેશે. સરકારમાં પાટીદાર સમાજના 45માંથી 44 ધારાસભ્ય ગધેડા છે.
હાર્દિકે કહ્યું કે ભાજપ સરકાર પાટીદાર અનામત આંદોલનને તોડવા પ્રયાસો કરી રહી છે અને કદાચ મારી હત્યા પણ કરાવી નાખવામાં આવે પરંતુ મને કોઇનો ડર નથી. બપોરે 3-00 વાગ્યાથી શરૂ થયેલી સભાસ્થળે હાર્દિક 4-00 વાગ્યે પહોંચ્યો હતો અને 40 મિનિટ સુધી સભાને સંબોધન કર્યું હતું.