હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમેટી લેવાની તૈયારી બતાવી, જાણો વિગત
હાર્દિકે કહ્યું કે, જો યુવાઓ માટે બે કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવે અને ખેડૂતોને એમના ખેત ઉત્પાદનો માટે શ્રેષ્ઠતમ કિંમત ચૂકવવામાં આવે તો આપણને અનામતની જરૂર ન રહે. વધી રહેલી બેરોજગારી અને ખેડૂતો દ્વારા આત્મહત્યાની સમસ્યાના મુદ્દે હાર્દિક પટેલે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી.
હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં યુવાઓ બેરોજગારીની સમસ્યાથી પીડાય છે અને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ બે વર્ગના લોકોની સમસ્યાઓ પર ધ્યાન આપવાની મારી સરકારને વિનંતી છે. દિલ્હીમાં યોજાયેલા ‘એજન્ડા આજતક’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં હાર્દિક પટેલે આ વાત કરી હતી.
હાર્દિક પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશના યુવાઓ માટે જો 2 કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવે અને ખેડૂતોને એમના ઉત્પાદનો માટે યોગ્ય કિંમત ચૂકવવામાં આવે તો હું અનામત માટેની મારી માગણીને પડતી મૂકી દઈશ. હું મારું આંદોલન પણ સમેટી લઈશ તેવી જાહેરાત પણ હાર્દિકે કરી હતી.
નવી દિલ્હીઃ ગુજરાતના પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના હાર્દિક પટેલે સોમવારે પાટીદારો માટેનું અનામત આંદોલન પડતું મૂકવાની તૈયારી બતાવી હતી. જોકે હાર્દિક પટેલે એ માટે બે શરતો મૂકી હતી ને આ બે શરતોનું પાલન કરાય તો અનામત આંદોલન સમેટી લેવાની તૈયારી બતાવી હતી.