ગુજરાત સરકાર સાથે મંત્રણા કરવા ગયેલા પાટીદાર આગેવાનોને હાર્દિક પટેલે શું સંભળાવી દીધું ? જાણો વિગત
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 12મો દિવસ છે ત્યારે હાર્દિકને મળેલા સમર્થનથી ભાજપ સરકાર દોડતી થઈ છે. ગુજરાત સરકારે આ સમસ્યા ઉકેલવા મંગળવારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા.
પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને પારણાં કરવા સમજાવાશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતાં વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે.
પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે મંગળવારના રોજ બેઠક મળી હતી. ત્યાર બાદ તેઓ સરકાર સાથે વાટાઘાટ કરવા ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠકમાં સમાજના તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ છે.
ગુજરાત સરકારના ઊર્જામંત્રી સૌરભ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને અને રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે અઢી કલાક બેઠક ચાલી હતી. આ બેઠકમાં સરકારે પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી છે.
જો કે હાર્દિક પટેલે આ પાટીદાર આગેવાનોની મધ્યસ્થી ફગાવી દેવાઈ છે. હાર્દિકે સંભળાવી દીધું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો ‘પાસ’ના સત્તાવાર પ્રતિનિધિ નથી કે તેમને હાર્દિક તરફથી સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ હાર્દિક પટેલ સાથે જ ચર્ચા કરે.