ગુજરાતમાં આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં પડશે વરસાદ, ચોમાસુ વહેલું બેસશે, જાણો ક્યારથી શરૂ થશે ?
હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક હિસ્સામાં આગામી બે-ત્રણ દિવસ ગરમીનો પારો ૪૦-૪૩ ડિગ્રી વચ્ચે રહેશે. અમદાવાદમાં આાગામી પાંચ દિવસ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને પારો ૪૨ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગનું માનવું છે કે મે મહિનાના અંતિમ દિવસોમાં નૈઋત્યના પવનોએ વરસાદ લાવવાની શરૂઆત કરી છે. કેરળ બાદ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કર્ણાટક સુધી પહોંચી ગયું છે. બુધવારે મોડી રાત્રે કોંકણ કાંઠે અને રત્નાગીરીમાં પણ વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં ૧૨ કિલોમીટર દૂર હજુ પણ લો પ્રેશર સિસ્ટમ કાર્યરત છે અને તેના કારણે ગુજરાતમાં પણ અપેક્ષા કરતા વહેલા મેઘરાજાનું આગમન થઇ શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનાથી પડી રહેલી આગ ઓકતી ગરમીમાંથી થોડા દિવસોમાં રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫ જૂનની આસપાસ જ ચોમાસાનું આગમન થતું હોય છે. જોકે, જૂલાઇમાં ભારે વરસાદ વરસતો હોય છે. હવામાન વિભાગના મતે ગુજરાતના કેટલાક જિલ્લા અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ૧૦ જૂનની આસપાસ વરસાદનું આગમન થાય તેવી સંભાવના છે.