વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ક્યારે પડશે ભારે વરસાદ? જાણો
ગુજરાતમાં લાંબા સમયથી વરસાદનો વિરામ છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જોકે વરસાદ બંધ થતાં બફારો વધી ગયો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને વરસાદ માટે અનેક જગ્યાએ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
ગુજરાતમાં વરસાદ તેમજ વાવણીની શરૂઆત મોડી થઈ હતી. વાવણી પછી દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો નથી. એવામાં ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત મોડી થઈ હતી એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી અનેક ગામડાઓ જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવણ થયું હતું. એવામાં હવે વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આંકડાઓની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 56 ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદ: બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે. 16મી અને 17મી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.