નર્મદા યોજનાના વિસ્થાપિતોને ગુજરાત 400 કરોડ ચૂકવશે, સુપ્રીમનો ઐતિહાસિક નિર્ણય
આ અંગે મુખ્યપ્રધાને કહ્યું કે, હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ ૧૨૧.૯૧ મીટર છે. દરવાજા મૂકવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સુપ્રીમના આદેશથી દરવાજા બંધ કરવાની કામગીરી પૂર્ણ થતાં ડેમની ઊંચાઈ વધીને ૧૩૮ મીટરે પહોંચી જશે. આ ઊંચાઈને કારણે ડેમમાં અત્યારની સરખામણીએ ત્રણ ગણો પાણીનો જથ્થો સંગ્રહ થશે.
સાથોસાથ અસરગ્રસ્તોને ઓગસ્ટ-૨૦૧૭ સુધીમાં ડેમની જગ્યા છોડી દેવા જણાવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સુપ્રીમ કોર્ટેના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવી આવકાર્યો છે. સુપ્રીમના આદેશથી ગુજરાતે વિસ્થાપિતોને રૂપિયા ૪૦૦ કરોડનું વળતર ચૂકવવું પડશે.
૨૦મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને મોટાભાગના વિભાગો બજેટની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે વિસ્થાપિતોને ચૂકવવાના થતાં રૂપિયા ૪૦૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવશે એમ, નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું છે.
નાયબ મુખ્યપ્રધાને સુપ્રીમના આદેશથી આ યોજનાને યેનકેન પ્રકારે ઘોંચમાં નાખવાનો પ્રયાસ કરનારા વિરોધીઓના હાથ હેઠા પડ્યા હોવાનું જણાવી આ મહત્વાકાંક્ષી યોજના આડેના કાયદાકીય સહિતના તમામ અવરોધો દૂર થયા હોવાનું જણાવ્યું છે. આ યોજના પૂર્ણ થતાં ડેમની પાણી સંગ્રહની ક્ષમતા ત્રણ ગણી વધી જશે અને રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી જ્યારે ૪ કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
નવી દિલ્હીઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના જલ્દીથી પૂરી થાય તે માટે સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતના નાગરિકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, ડેમની ઊંચાઈ વધે તે સ્થિતિમાં ડૂબી જનારા વિસ્તારના ૬૮૧ વિસ્થાપિતોને હેક્ટરદીઠ રૂપિયા ૩૦ લાખ લેખે બે હેક્ટરના રૂપિયા ૬૦ લાખ ચૂકવવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે.