વિસનગરની સ્કૂલમાં 3 વર્ષની બાળકીને રૂમમાં લઈ જઈને સિક્યુરિટી ગાર્ડે કર્યાં અડપલાં, જાણો વિગત
પોતાની સાથે બનેલી આ ઘટના અંગે ઘરે આવીને બાળકીએ તેની માતાને જાણ કરી હતી. જ્યારે બીજા દિવસે સંસ્થામાં પ્રોગ્રામ દરમિયાન માતા-પિતા સાથે આવેલી બાળકીએ સિક્યુરિટી કરતા અશોક ધોબીને ઓળખી બતાવ્યો હતો. શનિવાર અને રવિવારના રોજ સ્કૂલ બંધ હોવાથી સોમવારે બાળકીના પરિવારજનો સ્કૂલમાં આવ્યા હતા. જ્યાંથી મામલો પોલીસ મથકે આવતાં પોલીસે બાળકીની માતાની ફરિયાદ આધારે આરોપી અશોકભાઇ બાબુલાલ સામે પોક્સો હેઠળ ગુનો નોંધી પકડી લીધો હતો.
આ બનાવ સ્થળે પંચનામુ સહિતની કામગીરી કરનાર પોલીસે શાળા પાસે સીસીટીવી કેમેરાના ફૂટેજ માગ્યા હતા. પરંતુ બનાવના દિવસે જ શાળાના કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું હતું. શાળા સત્તાધિશો પણ બનાવ સંબંધે કંઈ જાણતા ન હોવાનું રટણ કરતાં પોલીસ વિમાસણમાં મુકાઈ છે.
વિસનગરમાં આવેલી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી 3 વર્ષની બાળકી ગત 4 ઓક્ટોબરે સવારે 8-30 વાગ્યે સ્કૂલમાં આવી હતી. જે સ્કૂલની લપસણી નજીક રમી રહી હતી તે દરમિયાન સંસ્થામાં રાસ-ગરબાનો કાર્યક્રમ હોવાથી સિક્યુરિટીના કામ માટે આવેલા માયાબજાર વિસ્તારમાં રહેતા ધોબી અશોક બાબુલાલ નામના 50 વર્ષના આધેડે તેને તેડીને નજીકની રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યાં હતાં.
મહેસાણા: હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વિસનગરમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીંની ખાનગી સ્કૂલમાં રમતી 3 વર્ષની બાળકી સાથે સિક્યુરિટીનું કામ લેવા આવેલા 50 વર્ષના આધેડે રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યાં હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે. ગત 4 ઓક્ટોબરે બનેલી આ ઘટના અંગે બાળકીની માતાએ સોમવારે રાત્રે ફરિયાદ નોંધાવતાં હરકતમાં આવેલી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.