સુરતના અઢી વર્ષના માસૂમ નિવના જીવતા હોવાની લોકોને છે કેમ આશા? જાણો વિગત
બારડોલી: આખા રાજ્યને હચમચાવી નાંખનારા અઢી વર્ષના નિવ પટેલ નામના છોકરાના અપહરણ કાંડમાં પોલીસ રિમાન્ડમાં નિવના હત્યારા બાપ નિશીતે હત્યા કર્યાનું કબૂલ્યું છે ત્યારે બીજી તરફ નિવના જીવતા હોવાની આછી પાતળી આશા હજુ પણ છે.
નિશિતે નિવને નદીમાં નાંખી દીધો પણ છ દિવસ બાદ નિવનો કોઈ પત્તો ન લાગતાં નિવને કોઈએ બચાવી લીધો હોવાની આશા લોકો રાખી રહ્યા છે. નિવના માસૂમ ચહેરાએ લોકના દિલમાં લાગણી જન્માવી છે અને ઠેર ઠેર નિવ હેમખેમ પાછો આવે એવી પ્રાર્થના લોકો કરી રહ્યાં છે.
પલસાણાના વણેસા નિવ અપહરણ પ્રકરણમાં હત્યાનો ગુનો કબૂલ્યા બાદ પાંચ દિવસના રિમાન્ડમાં પહેલા જ દિવસે હત્યારા બાપ નિશિતે પોતે નિવને મીંઢોળા નદીમાં નાંખ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. તેના કારણે પોલીસે 50 ફાયર ફાયટરની ટીમ બનાવી છે.
પોલીસે બારડોલીથી મલેકપોર સુધી શોધખોળ હાથ ધરી હતી. નદીના કિનારા અને આજુબાજુના કૂવામાં પણ નિવની તપાસ હાથ ધરી હતી, પરંતુ નિવનો કોઈ પત્તો લાગ્યો નથી. જેથી પોલીસ ફરી મુંઝવણમાં મુકાઈ છે. બીજી તરફ નિવનો ચાહક વર્ગ જે નિવ જીવીત હોવાની આશા લગાવીને બેઠો છે.
બીજીતરફ પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન 17 ફાયર ફાયટર પોલીસ તરવૈયા અને ખાનગી તરવૈયાની ટીમ બનાવી શોધખોળ કરી છે. આ મુદ્દે જિલ્લા પોલીસ વડા ડો. મહેશ નાયકે જણાવ્યું કે, નિશિતની હજુ પૂછપરછ ચાલુ છે અને નિવને શોધવા માટે ટીમ કામે લગાવી છે તે જોતા તે પાછો મળે તેવી આશા છે.