નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આજે પ્રદૂષણના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તેની વચ્ચે ભારત-બાંગ્લાદે વચ્ચે નવી દિલ્હીમાં આજે સીરિઝની પ્રથમ ટી20 મેચ રમાવાની છે. ત્યારે સૂત્રો અનુસાર, આઈસીસીના મેચ રેફરીએ પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને વિઝિબિલિટી ઘટશે તો મેચ રદ પણ થઈ શકે છે. આ પહેલા બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે મેચને રદ કરવું સંભવ નથી.

આજે દિલ્હી અને આસપાસાના વિસ્તારમાં હવાની ગુણવત્તા( એક્યુઆઈ)નું સ્તર 1000ની પાર પહોંચી ગયું છે. કેટલાક સ્થળે હવાની ગુણવત્તા ખુબજ ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. સાથે રવિવારે દિલ્હી અને આસપાસના વિસ્તારના શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે રવિવાર સવારની દિલ્હી એરપોર્ટથી 32 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. નોઈડામાં બે દિવસ માટે સ્કૂલ બંધ રાખવામાં આવી છે.


એર ક્વોલિટી ઇન્ડેક્સ શું હોય છે ?

એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે 0-50 વચ્ચે હોય તો સારો, 51-100 વચ્ચે સંતોષજનક, 101-200 વચ્ચે સામાન્ય, 201-300 ખરાબ, 301-40 ખૂબ જ ખરાબ અને 401-500 વચ્ચે ગંભીર સ્થિતિ માનવામાં આવે છે. આ ઉપરાંત હવામાં PM સ્તર 100 અને PM 2.5 60 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર કરતાં વધારે ન હોવું જોઈએ.