10,000 કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કરનારે વિભાગ સાથે કર્યો કેવો દાવ, જાણીને ચોંકી જશો
હૈદરાબાદઃ કેન્દ્ર સરકારની 30 સપ્ટેમ્બરે પૂરી થયેલી ઇન્કમ ડેકલેરેશન સ્કીમ (આઇડીએસ) હેઠળ દેશભરમાં રૂપિયા 65,250 કરોડનું કાળુ નાણુ જાહેર કરવામાં આવ્યું હતું. આ પૈકી હૈદરાબાદની એક વ્યક્તિએ જ રૂપિયા 10,000 કરોડનું કાળું નાણું જાહેર કરતી અરજી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ વાયએસઆર કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ વ્યક્તિ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને તેમનો દીકરો નારા લોકેશ છે. નારા લોકેશ ટીડીપીની યુવા પાંખનો પ્રમુખ છે અને નાયડુનો રાજકીય વારસદાર મનાય છે.
આંધ્ર પ્રદેશમાં આ જાહેરાતના પગલે ચંદ્રાબાબુ નાયડુ અને જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ થયો હતો. તેલુગુ દેશમના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ કાળું નાણું જાહેર કરનાર વ્યક્તિ વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડી છે.
હૈદરાબાદના બિઝનેસમેને તેનો પહેલો હપ્તો નવેમ્બરમાં ભરવાનો હતો પણ જ્યારે સમય આવ્યો ત્યારે તેણે હાથ અધ્ધર કરી દીધા. આવકવેરા વિભાગે તપાસ કરી તો ખબર પડી કે આ વ્યક્તિ પાસે ખરેખર કોઈ કાળું નાણું નથી ને એક કરોડની પણ સંપત્તિ નથી.
આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિઝનેસમેને પ્રસિધ્ધી મેળવવા આ નાટક કર્યું હતું. આઈડીએસ પ્રમાણે કાળાં નાણાં પર 45 ટકા ટેક્સ ભરીને તેને કાયદેસરની આવકમાં ફેરવી શકાય છે. આ કરવેરો ચૂકવવા માટે કાળું નાણું જાહેર કરનારને હપ્તા અપાય છે.
આવકવેરા વિભાગે આ પ્રક્રિયા આગળ વધારી તો ખબર પડી કે આ જાહેરાત કરનારી વ્યક્તિએ સૌને ઉલ્લુ બનાવ્યા છે અને તેની પાસે એક કરોડ રૂપિયા પણ નથી. આ અરજી નકલી જાહેર થતાં આઈડીએસ હેઠળ જાહેર કાળાં નાણાંનો આંકડો 55,250 કરોડ રૂપિયા પર આવી ગયો છે.
આ વ્યક્તિની ઓળખ જાહેર નહોતી કરાઈ પણ આ વ્યક્તિ દેશમાં વ્યક્તિગત રીતે સૌથી વધારે કાળું નાણું જાહેર કરનારી વ્યક્તિ હતી. આવકવેરા વિભાગે આ વાતને જોરશોરથી ચગાવી હતી પણ બે મહિનામાં જ આવકવેરા વિભાગનો પોપટ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -