નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 68 લાખ 35 હજારને વટાવી ગઈ છે  અને 1 લાખ 5 હજાર 526 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 2 હજાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં 78,524 નવા કેસ નોંધાયા છે અને 83,011 દર્દી ઠીક થયા છે. જ્યારે 971 લોકોને કોરોના ભરખી ગયો છે. કોરોના સામે ઈમ્યુનિટી વધારવા લોકો અવનવી તરકીબો અપનાવે છે.

આ દરમિયાન  કોરોના સામે ઈમ્યુનિટી વધારવા અપાતા કાઢાથી લીવર ખરાબ થતું હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના પર સ્પષ્ટીકરણ આપતાં આયુષ મંત્રાલયે પીઆઈબી ફેક્ચ ચેકના માધ્યમથી કહ્યું, કાઢામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિવધ પ્રકારના વાયરસનું એંટીવાયરલ હોય છે. આ સામગ્રીની આપણા શ્વસન તંત્ર પર સારી અસર થાય છે. કાઢા લીવરને ખરાબ કરતી હોવાની ધારણા ખોટી છે.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર પીઆઈબી ફેક્ટ ચેક મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.