વર્તમાન સમયમાં શરીરની ફાંદ વધવી હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. ઘણા લોકો આની ફરિયાદ પણ કરતા રહે છે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો ચિંતિત છે. મોટાભાગના લોકો તેમના પેટની ચરબીથી કંટાળી ગયા છે, જેને ઘટાડવા માટે તેઓ તમામ પ્રકારના નુસખા અપનાવે છે, પરંતુ તેમાં કોઈ સુધારો આવતો નથી. જો કે આજે અમે તમને આ કારણ જણાવીશું  જેનાથી પેટની ચરબી વધે છે. જેથી તમે તમારી ભૂલો પર ધ્યાન આપીને આ ફાંદ વધવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો.


પુરતી ઊંઘ ન લેવાથી પેટની ચરબી વધે છે


આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, સ્વસ્થ અને ફિટ રહેવા માટે, તમારે તમારી દિનચર્યામાં સંતુલિત આહાર અને વર્કઆઉટનો સમાવેશ કરવાની જરૂર છે. એક રિસર્ચ અનુસાર, માત્ર ખરાબ આહાર અને વર્કઆઉટનો અભાવ જ સ્થૂળતાનું કારણ નથી, તેની પાછળ ઊંઘની ઉણપ પણ એક મોટું કારણ છે. જો તમે સમયસર ઊંઘતા નથી અથવા ઓછી ઉંઘ લો છો, તો તમારી સ્થૂળતા વધી શકે છે. સારી ઊંઘ ન લેવાની ખોટી આદત પેટની ચરબી વધવા પાછળ જવાબદાર છે.


રોજ કેટલા કલાક સૂવું જોઈએ


નિષ્ણાતોના મતે સારા સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો કે, આનો અર્થ એ નથી કે દિવસના કોઈપણ સમયે સૂવું યોગ્ય છે. જે લોકો રાત્રે મોડેથી ઊંઘે છે અથવા ઓછી ઊંઘ લે છે તેમને સ્થૂળતાનું જોખમ વધારે રહે છે. જો તમે રાત્રે 10 વાગ્યે સૂઈ જાઓ છો તો સ્થૂળતાનો ખતરો ઓછો રહે છે. એટલે કે, તમારે સારી ઊંઘ લેવાની સાથે સાથે રાત્રે વહેલા સૂવાની આદત પણ બનાવવી પડશે, જેથી તમારી સ્થૂળતા વધશે નહીં. જો તમે વજન ઓછું કરવા ઇચ્છો છો તો તમારે સ્મોકિંગની આદત પણ છોડવી પડશે. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી વજન ઓછું કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે.