Cancer: કેન્સર એ વિશ્વની સૌથી ખતરનાક બીમારીઓમાંની એક છે, જે ત્યારે થાય છે જ્યારે કોષો અસામાન્ય રીતે વધે છે. કેન્સર ક્યાં થયું છે અને તે કેટલું આગળ વધ્યું છે તેના આધારે તેને ચાર તબક્કામાં વહેંચી શકાય છે. તે મુજબ તેની સારવાર પણ કરવામાં આવે છે. જેટલી જલ્દી આ રોગની ઓળખ થાય છે, દર્દીના બચવાની તકો એટલી જ વધી જાય છે.
ICMRના નવા અભ્યાસ મુજબ ભારતમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ કેન્સર છે. 2045 સુધીમાં કેન્સરના દર્દીઓ અને મૃત્યુની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે. તેનું કારણ એ છે કે મોટાભાગના લોકો તેને શરૂઆતના તબક્કામાં ઓળખી શકતા નથી અને ઓન્કૉલૉજિસ્ટ એટલે કે ડૉક્ટર સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં એક એવી પદ્ધતિ સામે આવી છે જે કેન્સર બનતા પહેલા તેને પકડી લે છે અને તેને તેના મૂળમાંથી ખતમ કરી શકે છે.
ઝીરો સ્ટેજ પર રોકી શકો છો કેન્સર
કેન્સરનો ઝીરો સ્ટેજ એટલે કે પ્રીકેન્સરસ સ્ટેજ જેને કાર્સિનોમા ઇન સિટુ (CIS) પણ કહેવાય છે. આ તબક્કામાં મોટાભાગના લોકો કેન્સરની અવગણના કરે છે. યુએસ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ તેને એવી સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમાં માઇક્રૉસ્કૉપ હેઠળ કેન્સરના કોષો જેવા દેખાતા અસામાન્ય કોષો ફક્ત ત્યાં જ જોવા મળે છે જ્યાં તેઓ પ્રથમ રચાયા હતા અને આસપાસના પેશીઓમાં ફેલાતા નથી.
અમૂક સમયે આ કોષો કેન્સરગ્રસ્ત બની શકે છે અને આસપાસના પેશીઓમાં ફેલાય છે. નિષ્ણાતોના મતે સ્ટેજ ઝીરો કેન્સરને પ્રી-કેન્સર પણ કહેવામાં આવે છે. જો આ તબક્કે જ સારવાર શરૂ કરવામાં આવે તો ગાંઠને નિયંત્રિત કરવામાં સરળતા રહે છે. કારણ કે જો યોગ્ય સમયે શોધી કાઢવામાં આવે તો સર્જરી સરળ બની જાય છે. આ તબક્કામાં ગાંઠ ફેલાઈ ન હોવાથી, દર્દી કીમોથેરાપી અથવા રેડિયેશનથી પણ બચી શકે છે.
ઝીરો સ્ટેજ પર કેન્સરની ઓળખ કઇ રીતે કરવી
નિષ્ણાતોના મતે જીરો સ્ટેજના કેન્સરને જીનેટિક્સ અને પર્યાવરણીય પરિબળો દ્વારા ઓળખી શકાય છે. જો પરિવારમાં કોઈને કોઈ પ્રકારનું કેન્સર થયું હોય તો અન્ય લોકોને પણ કેન્સર થવાની શક્યતા રહે છે. ઝીરો સ્ટેજમાં કેન્સરના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાતા નથી, જેનાથી તેનું સંચાલન કરવું સરળ બની શકે છે. ઘણા પ્રકારના ટેસ્ટ દ્વારા કેન્સર સરળતાથી શોધી શકાય છે. આવી સ્થિતિમાં કેટલાક વારંવાર બનતા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ, જેથી તેઓ સમયસર ઓળખી શકાય.
ઝીરો સ્ટેજ પર કેન્સરના સંકેત -
1. સ્તનમાં એક નાનો સખત ગઠ્ઠો અથવા સ્તનની ડીંટડીમાંથી રક્તસ્ત્રાવ એ ઝીરો સ્ટેજના સ્તન કેન્સરની નિશાની હોઈ શકે છે.
2. અસામાન્ય પેપ સ્મીયરનો અર્થ સ્ટેજ ઝીરો સર્વાઇકલ કેન્સર હોઈ શકે છે.
3. ખોરાકનું યોગ્ય રીતે પાચન ના થવું, વારંવાર પેટમાં દુઃખાવો અથવા વૉશરૂમમાં સમસ્યાઓ એ જઠરાંત્રિય કેન્સરના ચેતવણી ચિહ્નો હોઈ શકે છે.
4. ત્વચાના રંગ અથવા રચનામાં ફેરફાર ત્વચાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જેમ કે ભીંગડાંવાળું, લાલ પેચની રચના.
શું કરવું અને શું ના કરવું
ડૉક્ટર્સ કહે છે કે શરીરમાં વારંવાર દેખાતા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ. જો આવા કોઈ ચિહ્નો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જેથી કેન્સરને અગાઉથી અટકાવી શકાય. કેનેડિયન કેન્સર સોસાયટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો મોટાભાગના કેન્સર પ્રારંભિક તબક્કામાં શોધી કાઢવામાં આવે છે, તો જીવિત રહેવાની શક્યતા 90% સુધી વધી શકે છે. ફેફસાના કેન્સરમાં આ સંભાવના 62% હતી.
કેન્સરની ઓળખ માટે ટેસ્ટ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ (એઆઈ ટૂલ્સ) અને લિક્વિડ બાયૉપ્સી જેવી હાઈ-ટેક ટેક્નોલોજી સાથે કેન્સરને તેના પ્રારંભિક તબક્કે શોધી કાઢવું શક્ય છે. જાન્યુઆરીમાં અમેરિકન સંશોધકોએ અહેવાલ આપ્યો હતો કે તેઓએ એક પરીક્ષણ ડિઝાઇન કર્યું છે જે રક્તમાં પ્રૉટીન શોધીને 18 પ્રારંભિક તબક્કાના કેન્સરને શોધી શકે છે. આ લિંગ-વિશિષ્ટ લિક્વિડ બાયૉપ્સી ટેસ્ટમાં સ્ત્રીઓમાં 93% કેસોમાં અને સ્ત્રીઓમાં 84% કેસોમાં સ્ટેજ 1 કેન્સર શોધાયું છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો
શું છે 'બાયૉહેકિંગ' ? લોકો ગંભીર બીમારીને માત આપવા માટે કઇ રીતે કરી રહ્યાં છે ઉપયોગ