Health:આપણા શરીરમાં બે અલગ અલગ ઘનતાનું કોલેસ્ટ્રોલ જોવા મળે છે જે સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. શરીરમાં સારું કોલેસ્ટ્રોલ હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગે છે ત્યારે માત્ર એક નહીં પરંતુ અનેક બીમારીઓ થવા લાગે છે. જો સફરજનનું રોજ સેવન કરવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ વધતું નથી. તે હૃદય સંબંધિત રોગો સામે પણ રક્ષણ આપે છે. આ અંગે કરવામાં આવેલ અભ્યાસ અને નિષ્ણાતોના અભિપ્રાયને જાણ્યા પછી તમે પણ રોજ સફરજન ખાવાનું શરૂ કરી દેશો.


લિવરથી  ઉત્પન્ન થાય છે કોલેસ્ટ્રોલ


બહુ ઓછા લોકો જાણતા હશે કે લીવર આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે. કોલેસ્ટ્રોલ કોષ પટલ અને વિટામિન ડીના નિર્માણમાં મદદ કરે છે. લિપોપ્રોટીનની મદદથી કોલેસ્ટ્રોલ લોહીમાં ભળી શકે છે. જ્યારે લિપોપ્રોટીન સાથે ઓછી ઘનતાવાળા કોલેસ્ટ્રોલની રચના થાય છે, ત્યારે તેને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. ઉચ્ચ ઘનતાવાળા કોલેસ્ટ્રોલને HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે.


જો શરીરમાં એલડીએલનું પ્રમાણ HDL કરતા વધારે હોય તો હૃદયની બીમારીઓનું જોખમ અનેકગણું વધી જાય છે. તમારો આહાર નક્કી કરે છે કે શરીરમાં વધુ સારું કોલેસ્ટ્રોલ હશે કે ખરાબ કોલેસ્ટ્રોલ. નિષ્ણાતોનું માનવું છે કે દરરોજ 2 સફરજન ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.


સફરજનનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે


આ અંગે ન્યુટ્રિશનિસ્ટ એલી બ્રેચર કહે છે કે, સફરજનનું સેવન ઝડપથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. સફરજનમાં વિટામીન સી તેમજ કોપર, વિટામીન K અને વિટામીન E હોય છે. સફરજનમાં પેક્ટીન (દ્રાવ્ય ફાઇબર) હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. સફરજનમાં હાજર પોલિફીનોલ્સ બ્લડ પ્રેશર ઘટાડીને સ્ટ્રોકનું જોખમ અનેક ગણું ઘટાડી શકે છે.


રોજ સફરજનનું સેવન કરવાથી સ્મૃતિ ભ્રંશ મટે છે


અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, દરરોજ 2 સફરજનનું સેવન હૃદય સંબંધિત રોગોને ઘટાડે છે. વધુમાં, એન્ટીઑકિસડન્ટથી ભરપૂર સફરજનનું સેવન અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા સ્મૃતિ ભ્રંશને પણ અટકાવી શકે છે.