COVID-19 New Variant BA.2.86: કોવિડ-19 ડિસેમ્બર 2019 થી ફેલાવાનો શરૂ થયો હતો. ચીનથી શરૂ થયેલો આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો હતો જેના કારણે લાખો લોકોના મોત થયા હતા. 3 વર્ષ પછી પણ કોરોના સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. તાજેતરમાં કોવિડ -19 ના નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ વર્તમાન કોવિડ -19 પરિસ્થિતિ અને તેના માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કોવિડ-19ની વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વર્તમાન વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે અને તેની શું અસર થઈ શકે છે? 






આ વાયરસ તેનું સ્વરૂપ બદલીને વારંવાર સામે આવી રહ્યો છે. થોડા સમય પહેલા ઓમિક્રોન વેરિઅન્ટનો વંશજ EG.5.1 ના કારણે વિશ્વમાં કોરોનાના વધતા કેસોના રિપોર્ટ બહાર આવ્યા હતા. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) એ કોરોનાના અન્ય એક વેરિયન્ટ વિશે માહિતી આપી છે. આ વેરિયન્ટનું નામ BA.2.86 છે, જેને પિરોલા તરીકે પણ ઓળખવામાં આવે છે.


WHO ની SARS-CoV-2 વેરિયન્ટ મોનિટરિંગ લિસ્ટમાં સામેલ કર્યા પછી આ વેરિયન્ટ પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. CDC અનુસાર, આ વેરિયન્ટ યુએસ, ડેનમાર્ક, ઇઝરાયેલ અને યુકે સહિત ઘણા દેશોમાં જોવા મળ્યો છે. WHO એ એક્સ (અગાઉના ટ્વિટર) પર પોસ્ટ કરી BA.2.86 વિશેની જાણકારી આપી હતી અને વધુ મ્યુટેશનના કારણે તેને 'વેરિયન્ટ અંડર મોનિટરિંગ' ગણાવ્યો હતો.


આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો આ નવા વેરિયન્ટ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે કે શું આ વેરિયન્ટ કોઈ મોટો ખતરો પેદા કરી શકે છે? જોકે અત્યારે નિષ્ણાતો કહે છે કે હજુ ગભરાવાની જરૂર નથી. જાણો શું છે આ નવો વાયરસ BA.2.86 (Pirola), તેના લક્ષણો શું છે.


BA.2.86 ના લક્ષણો શું છે?


ડૉ. એન્ડ્રુએ જણાવ્યુ હતું કે BA.2.86 સબ-વેરિયન્ટ એટલો નવો છે કે તેના લક્ષણો વિશે કોઈ ડેટા ઉપલબ્ધ નથી કારણ કે તેના કેસ હજુ ઘણા ઓછા છે. તે હજુ સુધી જાણી શકાયું નથી કે તે કોઈ નવા લક્ષણોનું કારણ બનશે કે કેમ. સીડીસી અનુસાર, કોરોનાથી પોતાને સુરક્ષિત રાખવા માટે જે લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ તે અગાઉના પ્રકાર જેવા જ છે જેમાં ઉધરસ, છીંક, થાક, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, કોઈ ગંધ ન આવવી વગેરેનો સમાવેશ થાય છે.


વેક્સીન અને ઇમ્યૂનિટી પર બે અસર: ડૉ. એન્ડ્રુ


ડૉ. એન્ડ્ર્યુના મતે 'પિરોલાનું નવું વેરિયન્ટ ક્યાં ફેલાઈ રહ્યું છે અને કેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે તે કહેવું વહેલું ગણાશે. અત્યાર સુધી આ પ્રકારના બહુ ઓછા કેસો છે અને રોગની તીવ્રતા અને ફેલાવાના મૂળનો અંદાજ કાઢવો અશક્ય છે. જો કે, આપણે BA.2.86 ના મ્યુટેશન વિશે જાણીએ છીએ જેના આધારે આપણે કહી શકીએ કે આ પ્રકાર સંભવતઃ પહેલાથી અસ્તિત્વમાં રહેલી કોવિડ-19 રોગપ્રતિકારક શક્તિને ટાળવામાં સક્ષમ હશે.