dogs cancer detection technology: શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર તમારા શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર જેવી ગંભીર બીમારીની ઓળખ કરી શકે? હા, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા નથી, પણ બહુ જલ્દી ભારતમાં વાસ્તવિકતા બની શકે છે. બેંગલુરુ સ્થિત ડીપ-ટેક સ્ટાર્ટઅપ 'ડોગ્નોસિસ' (Dognosis) એક એવી ક્રાંતિકારી કેન્સર સ્ક્રીનિંગ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે, જે ભારતમાં હેલ્થ ચેકઅપની આખી પદ્ધતિ બદલી નાખશે.
કંપનીએ 'બ્રેથઇઝી' (BreatheEasy) નામનું એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. આ પ્લેટફોર્મ કૂતરાઓની અદભૂત સુંઘવાની ક્ષમતા અને અત્યાધુનિક 'બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ' ટેકનોલોજીનો સમન્વય છે. આનો મુખ્ય હેતુ કેન્સરની કોઈ સીધી સારવાર આપવાનો નથી, પરંતુ જેમનામાં કેન્સરનું જોખમ વધુ છે તેવા લોકોને વહેલાસર ઓળખી કાઢવાનો છે, જેથી તેઓ સમયસર વધુ તબીબી તપાસ કરાવી શકે. જો હાલમાં ચાલી રહેલી ક્લિનિકલ ટ્રાયલ સફળ રહેશે, તો 2027 ની શરૂઆતમાં આ ટેકનોલોજી ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ થઈ શકે છે.
કોઈ સ્કેન કે બ્લડ ટેસ્ટ નહીં, માત્ર 10 મિનિટનું કામ!
આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં કોઈ લોહીના રિપોર્ટ કે મોંઘા સ્કેનની જરૂર પડતી નથી. દર્દીએ માત્ર 10 મિનિટ માટે એક ખાસ માસ્કમાં શ્વાસ લેવાનો હોય છે. ત્યારબાદ તેમના શ્વાસના નમૂનાનું મશીન દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે. કંપનીનું માનવું છે કે ભવિષ્યમાં આ ટેસ્ટ લોકોના વાર્ષિક રૂટિન ચેકઅપનો જ એક ભાગ બની જશે.
આ ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે?
બ્રેથઇઝી પાછળ એક સરળ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. જ્યારે શરીરમાં કેન્સરના કોષો વિકસે છે, ત્યારે તેમાંથી 'વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ' (અસ્થિર કાર્બનિક સંયોજનો) નામના સૂક્ષ્મ રાસાયણિક અણુઓ મુક્ત થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આ અણુઓ પણ બહાર આવે છે. મનુષ્યો કરતા કૂતરાઓની સુંઘવાની ક્ષમતા અનેકગણી તીવ્ર હોય છે, તેથી તેઓ આ અત્યંત સૂક્ષ્મ રાસાયણિક સંકેતોને પણ સરળતાથી પકડી શકે છે.
આ કામ માટે ખાસ કરીને બીગલ (Beagle) પ્રજાતિના કૂતરાઓને તાલીમ આપવામાં આવી રહી છે. ડોગ્નોસિસના જણાવ્યા અનુસાર, તેઓ માત્ર કૂતરાના વર્તન પર નિર્ભર નથી. આ માટે એક ખાસ બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ બનાવવામાં આવ્યું છે. જ્યારે કૂતરો નમૂનાને સુંઘે છે, ત્યારે આ સિસ્ટમ તેના મગજની પ્રવૃત્તિને રેકોર્ડ કરીને તેનું સીધું વિશ્લેષણ કરે છે, જેનાથી ચોકસાઈ વધે છે.
આ પણ વાંચોઃ બ્રેઇન કેન્સરના આ 5 લક્ષણોને તણાવ ગણી ભૂલ ન કરો!
એકસાથે 200 થી વધુ નમૂનાઓનું ઓટોમેટિક પરીક્ષણ
શ્વાસના નમૂનાઓનું પરીક્ષણ કંપનીના ઓટોમેટિક પ્લેટફોર્મ પર કરવામાં આવે છે. આ સિસ્ટમ કોઈપણ માનવીય દખલ વિના એક જ સેશનમાં 200 થી વધુ નમૂનાઓ તપાસી શકે છે. કંપનીનું લક્ષ્ય ભવિષ્યમાં આવા અનેક મશીનો લગાવીને દર વર્ષે આશરે 1 મિલિયન (10 લાખ) નમૂનાઓનું પરીક્ષણ કરવાનું છે. આ માટે હોસ્પિટલો કે લેબમાંથી નમૂના એકત્રિત કરીને મુખ્ય ટેસ્ટિંગ સેન્ટર પર મોકલવામાં આવશે.
ક્લિનિકલ ટ્રાયલ અને તેની સચોટતા
હાલમાં બ્રેથઇઝી પ્લેટફોર્મ મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યું છે. જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીમાં છપાયેલા એક તાજેતરના અભ્યાસ મુજબ, ટ્રાયલ દરમિયાન આશરે 9 ટકા કેસમાં રિપોર્ટ ખોટો પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 9 ટકા કેસમાં કેન્સરના દર્દીઓની ઓળખ થઈ શકી નહોતી. જોકે, કંપની સ્પષ્ટ કરે છે કે ટ્રાયલમાં જાણીજોઈને કેન્સરના વધુ દર્દીઓ લેવાયા હતા. વાસ્તવિક દુનિયામાં કેન્સરનું પ્રમાણ અલગ હોય છે, તેથી ફાઈનલ રિઝલ્ટ વધુ સારા મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચોઃ શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
આ કોઈ સારવાર નથી, માત્ર પ્રારંભિક ચેતવણી છે
સ્ટાર્ટઅપ સ્પષ્ટપણે જણાવે છે કે આ એક 'અર્લી સ્ક્રીનિંગ ટૂલ' છે. તે ફક્ત એવા લોકોને ઓળખશે જેમને કેન્સર થવાની શક્યતા વધુ છે. ત્યારબાદ આ લોકોને બાયોપ્સી કે સ્કેન જેવા પરંપરાગત ટેસ્ટ માટે મોકલવામાં આવશે. આનાથી હેલ્થકેર સિસ્ટમ પરનો બોજ ઘટશે અને માત્ર જરૂરિયાતમંદ લોકો જ મોંઘા ટેસ્ટ કરાવશે. નિષ્ણાતો પણ આ ટેકનોલોજીને આશાસ્પદ માની રહ્યા છે, પરંતુ વ્યાપક ઉપયોગ પહેલાં વધુ નક્કર પુરાવાઓની રાહ જોઈ રહ્યા છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈપણ નવી આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.
