દરરોજ એક કપ ચા અથવા કોફી તમારા શરીરને વૃદ્ધાવસ્થામાં મજબૂત બનાવી શકે છે, આ તાજેતરના સંશોધનમાં સાબિત થયું છે. સંશોધકો કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની મિડ લાઇફ(40 થી 60 વર્ષ)માં કોફી અને ચા પીવે છે, તો તેના જીવનના છેલ્લા વર્ષોમાં તેનું શરીર નબળું પડવાની શક્યતા ઓછી થઈ શકે છે. તેનું મુખ્ય કારણ ચા અને કોફીમાં હાજર કેફીન છે. જે લોકોએ દિવસમાં ચાર કપ કોફી પીધી છે તેમને શ્રેષ્ઠ પરિણામો મળ્યા છે અને જે લોકોએ બ્લેક અને ગ્રીન ટી પીધી છે તેમને પણ સારા પરિણામો જોવા મળ્યા છે.
સંશોધનમાં શું સાબિત થયું?
સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીની ટીમે 45 થી 74 વર્ષની વયના 12,000 લોકોને 20 વર્ષ સુધી ફોલો કર્યા હતા. યુનિવર્સિટીની યોંગ લૂ લિન સ્કૂલ ઓફ મેડિસિનમાં હેલ્દી લોંગવિટી ટ્રાન્સલેશનલ રિસર્ચ પ્રોગ્રામના પ્રોફેસર કોહ વૂન પ્યુએ જણાવ્યું હતું કે "સિંગાપોર સહિત વિશ્વના ઘણા પ્રદેશોમાં કોફી અને ચા મુખ્ય પીણું છે. અમારું સંશોધનથી જાણવા મળ્યું છે કે તેનુ મિડલાઇફમાં સેવન કરવાથી જીવનના અંતિમ વર્ષોમાં શારીરિક નબળાઈ આવવાની શક્યતા ઓછી થઈ શકે છે.
પ્રોફેસર કોહ વૂન પ્યુએ વધુમાં જણાવ્યું હતું કે, 'જોકે, આ તારણોની પુષ્ટી કરવા અને એ તપાસ કરવા માટે કે શું શારીરિક નબળાઇઓ પર આ પ્રભાવ કેફીન અથવા અન્ય રાસાયણિક સંયોજનોને કારણે થઇ રહ્યો છે વધુ રિસર્ચ કરવાની જરૂર છે.
53 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા લોકો સાથે વાત કરવામાં આવી હતી અને તેમને કોફી, ચા, કોલ્ડ ડ્રિંક્સ અને ચોકલેટ જેવા કેફીનયુક્ત પીણાં ખાવા અને પીવાની ટેવ વિશે પૂછવામાં આવ્યું હતું.
સંશોધનમાં સામેલ લોકો જેમની સરેરાશ ઉંમર 73 વર્ષની હતી. તેમના વજન અને ઉર્જા સ્તર વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે તાકાતની જાણકારી મેળવવા માટે પોતાનો હેન્ડગ્રિપ પાવર અને ટાઈમ અપ એન્ડ ગો (TUG) નો ટેસ્ટ પણ કરાવ્યો હતો.
12 હજાર લોકોમાંથી એવું જાણવા મળ્યું કે બે તૃતીયાંશ (68.5 ટકા) કરતાં વધુ લોકો દરરોજ કોફી પીતા હતા. આ જૂથમાંથી 52.9 ટકાએ દિવસમાં એક કપ કોફી પીધી, 42.2 ટકાએ દરરોજ બેથી ત્રણ કપ કોફી પીધી, અને બાકીના લોકોએ દરરોજ ચાર કે તેથી વધુ કપ કોફી પીધી. ચા પીનારાઓને તેમની ચા પીવાની આદતો અનુસાર વર્ગીકૃત કરવામાં આવ્યા. તેના આધારે તેને 4 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા જેમાં ક્યારેય ચા ના પીધી હોય તેવા, મહિનામાં ઓછામા ઓછી એક વાર ચા પીધી હોય, અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત ચા પીધી હોય તેવા અને દરરોજ ચા પીતા હોય તેવા લોકોનો સમાવેશ થાય છે.
સંશોધનમાં શું મળ્યું?
સંશોધનના પરિણામો દર્શાવે છે કે આધેડ વયમાં કોફી, બ્લેક ટી અથવા ગ્રીન ટી પીવાથી જેઓ દરરોજ ચાર કે તેથી વધુ કપ કોફી પીતા હતા તેઓમાં શારીરિક નબળાઈની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ લોકો દરરોજ કોફી ન પીતા લોકો કરતા શારીરિક રીતે નબળા હોવાની શક્યતા ઘણી ઓછી હતી. જે લોકો દરરોજ બ્લેક અથવા ગ્રીન ટી પીતા હતા તેઓને ચા ન પીતા લોકોની સરખામણીએ શારીરિક નબળાઈ થવાની શક્યતા ઘણી ઓછી હતી.
અમેરિકન મેડિકલ ડાયરેક્ટર એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં તારણ આવ્યું છે કે કેફીન સ્ત્રોતને ધ્યાનમાં લીધા વિના વધુ કેફીનનું સેવન શારીરિક નબળાઈની ઓછી સંભાવના સાથે સંકળાયેલું છે.