egg consumption safe: જો તમે પણ ઈંડા ખાતા હોવ અને છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલી 'ઈંડાથી કેન્સર થાય છે' તેવી ચર્ચાઓથી ડરી ગયા હોવ, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરમાં ફેલાયેલા અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં મળતા ઈંડા ખાવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને કેન્સરનું જોખમ (Cancer Risk) સાથે જોડતા દાવાઓ વૈજ્ઞાનિક રીતે ખોટા અને ભ્રામક છે.
નવી દિલ્હીમાં 20 ડિસેમ્બર ના રોજ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડતા FSSAI એ ગ્રાહકોને આશ્વાસન આપ્યું છે કે ઈંડામાં કેન્સરકારક તત્વો હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે ભારતીય બજારોમાં વેચાતા ઈંડામાં 'નાઈટ્રોફ્યુરાન મેટાબોલાઇટ્સ' (AOZs) મળી આવ્યા છે, જે કેન્સરનું કારણ બની શકે છે. આ દાવાઓને રેગ્યુલેટરે "બિનજરૂરી ગભરાટ ફેલાવનારા" ગણાવ્યા છે.
નાઈટ્રોફ્યુરાન અંગે શું છે નિયમ?
FSSAI ના અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી (Food Safety) રેગ્યુલેશન્સ, 2011 હેઠળ ભારતમાં મરઘાં અને ઈંડા ઉત્પાદનમાં નાઈટ્રોફ્યુરાન એન્ટિબાયોટિક્સના ઉપયોગ પર પહેલેથી જ સખત પ્રતિબંધ છે. એક અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "જો ક્યાંક મહત્તમ અવશેષ મર્યાદા (MRPL) કરતા નીચેના સ્તરે ટ્રેસ એલિમેન્ટ્સ જોવા મળે, તો પણ તે ખાદ્ય સુરક્ષાનું ઉલ્લંઘન નથી અને તેનાથી સ્વાસ્થ્ય પર કોઈ જોખમ ઉભું થતું નથી."
કેન્સર સાથે કોઈ લિંક નથી (No Link to Cancer)
જાહેર આરોગ્યની ચિંતાઓનો જવાબ આપતા FSSAI એ વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા છે. તારણો મુજબ, માનવ શરીરમાં નાઈટ્રોફ્યુરાન મેટાબોલાઇટ્સના અતિ સૂક્ષ્મ સ્તર અને કેન્સર વચ્ચે કોઈ સીધો સંબંધ સ્થાપિત થયો નથી. વિશ્વના કોઈપણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હેલ્થ ઓથોરિટી (Health Authority) એ સામાન્ય ઈંડાના વપરાશને કેન્સરના જોખમ સાથે જોડ્યો નથી.
રિપોર્ટ્સ પર ભરોસો ન કરવા અપીલ
કેટલાક ચોક્કસ રિપોર્ટ્સમાં અમુક સેમ્પલ્સમાં દૂષણ જોવા મળ્યું હતું, જેને લઈને FSSAI એ કહ્યું કે આ તારણો છૂટાછવાયા છે અને કોઈ એક બેચ પૂરતા સીમિત હોઈ શકે છે. એકલ-દોકલ લેબ રિપોર્ટના આધારે દેશની સમગ્ર ઈંડાની સપ્લાય ચેઈન (Egg Supply Chain) ને અસુરક્ષિત જાહેર કરવી તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખોટું છે.
રેગ્યુલેટરે ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ ચકાસાયેલ માહિતી પર જ વિશ્વાસ કરે. ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે અને તે સંતુલિત આહાર (Balanced Diet) નો એક પૌષ્ટિક ભાગ છે, તેથી તેને ખાવામાં કોઈ સંકોચ રાખવાની જરૂર નથી.