ગ્રામ્ય વિસ્તારોમાં સારી તબીબી સુવિધા પહોંચાડવી એ સરકાર માટે હજુ પણ મોટો પડકાર છે. આ સમસ્યાનું સમાધન છે ટેલીમેડિસિન. ડિજિટલ હેલ્થ મિશનથી ભવિષ્યમાં ગુજરાતના છેવાડાના દર્દીઓને પણ સારી અને તત્કાલ સારવાર મળી રહે તે માટે ટેલીમેડિસિન સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે. જેના અનુસંધાને ગુજરાત ચેપ્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે. આ અંગે ગુજરાત શાખાના પ્રમુખ તથા જાણીતા તબીબ ડૉ. રાજ રાવલે જણાવ્યું કે, કોરોનાની મહામારી પછી ટેલીમેડિસિન શબ્દ હવે નવો રહ્યો નથી. ટેલીમેડિસિનના માધ્યમથી ભારતભરમાં તબીબોએ લાખો દર્દીઓની સારવાર કરી છે. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારના દર્દીને સમયસર સારવાર મળી રહે અને આ શાખાનો વ્યાપ વધે તે આ સોસાયટીનો મુખ્ય ધ્યેય છે. જેઓ ઘરોમાં જ એકલા રહે છે, તેવા વડીલો માટે ટેલીમેડિસિનનું માધ્યમ આશીર્વાદરૂપ છે. ટેલીમેડિસિનના કારણે વધુમાં વધુ દર્દીઓને સરળતાથી તબીબોની સેવા મળી રહે છે.


ડૉ. રાજ રાવલે વધુમાં જણાવ્યું કે, આ સંસ્થા એટલે કે ટેલીમેડિસિન સોસાયટી ઓફ ઈન્ડીયાનું કામ લોકોમાં ટેલીમેડિસિન અંગે જાગૃતિ ફેલાવવાનું છે. જે ડૉક્ટર્સ ડિજિટલ હેલ્થ અંગે વધુ જાણતા નથી તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. એ પણ કોઈ પણ ચાર્જ લીધા વિના. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે વધુમાં વધુ દર્દીઓની સારવાર કરી શકાય તે અંગે તબીબોને માહિતી પુરી પાડવામાં આવે છે. ટેલીઆઈસીયૂ, ટેલીરેડિયોલોજી, ટેલીઈસીજીની માહિતી જોઈએ કે પછી તેને શરૂ કરવા મદદ જોઈએ તો આ સંસ્થા તરફથી મળશે. જો કોઈ તબીબ ટેલીમેડિસિનની સેવા શરૂ કરવા માગતા હોય તો તેમને જરૂરી માર્ગદર્શન અને નેટવર્ક આ સંસ્થાની મદદથી મળી શકશે. જેમને રસ હોય તેવા તમામ તબીબ અમારી સંસ્થા સાથે જોડાઈ શકે છે. આ સંસ્થા સરકાર સાથે સંકલનમાં રહીને સરકારની આરોગ્ય સેવાઓનો વ્યાપ ડિજિટલ માધ્યમથી કેવી રીતે વધે તે માટે પણ સંસ્થા કામ કરે છે.


આ અંગે ટેલિઆઈસીયુના જાણકાર અને સોફટવેર એન્જિનિયર કૃણાલ પટેલે જણાવ્યું કે, આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ટેલીમેડિસિનના સંયોજનથી હેલ્થકેર ક્ષેત્રે લોકઉપયોગી સારવાર ખૂબ જ સરળ બનશે. એટલે કે ટેલિમેડિસિનનો વ્યાપ ઘણો વધશે. ટેલિમેડિસિન દ્વારા સારવાર કરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે તેના માટે ક્યાંય જવાની જરૂર નથી, અને તમારી સારવાર કરાવવાના ખર્ચમાં લગભગ 30 ટકા બચત કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે આ સુવિધાથી હોસ્પિટલોમાં દર્દીઓનું ભારણ ઘટશે. મોટાભાગના દર્દીઓ એવા હોય છે કે જેઓને ફિઝીકલ કન્સલટેશનની જરૂર હોતી નથી, ટેલીમેડિસિનના માધ્યમથી આવા દર્દીઓની સારવાર કરીને તેમને સાજા કરી શકાય છે. રાજ્ય સરકાર સાથે મળીને 14 જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ટેલીઆઈસીયૂની સેવા કાર્યરત કરવામાં આવી છે. જેનો ફાયદો છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ દર્દીઓને મળી રહ્યો છે.