Heart Disease in Youth: કોરોના મહામારી દુનિયાભરના મોટા ભાગના દેશોમાંથી ખતમ થઇ ગઇ છે, પરંતુ કોરોના બાદ જુદાજુદા દેશોમાં નવી નવી બિમારીઓ શરૂ થવા લાગી છે, આમાં સૌથી મોટી હાર્ટ-હ્રદયની તકલીફો વધુ જોવા મળી રહી છે. જો તમારી ઉંમર 18 થી 44 વર્ષની વચ્ચે છે તો સાવધાન થઈ જાવ, કારણ કે તાજેતરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઉંમરના લોકોમાં સ્ટ્રૉકનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આ હૃદય સંબંધિત બીમારી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ અનુસાર, યુવાનોમાં હાર્ટ એટેક અને સ્ટ્રૉકનું જોખમ ઝડપથી વધી રહ્યું છે.


છેલ્લા એક દાયકામાં 65 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સ્ટ્રૉકનું જોખમ મોટા પ્રમાણમાં વધ્યું છે. સ્ટ્રૉક જીવલેણ બની શકે છે. જીવ બચી જાય તો પણ લકવો કે અનેક પ્રકારની વિકૃતિઓ આવી શકે છે. જાણો આનાથી બચવા માટે યુવાનોએ શું કરવું જોઈએ...


યુવાઓમાં હાર્ટ ડિસીઝ કેમ વધી રહ્યાં છે  
છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં સ્ટ્રૉકના વધુ કેસો જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે નાની ઉંમરમાં સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સ્ટ્રૉકનું જોખમ વધારી રહી છે. સ્ટેનફોર્ડ મેડિકલ સેન્ટરના ગ્રેગરી ડબલ્યુ. આલ્બર્સનું કહેવું છે કે 2011-2013 અને 2020-2022ના ડેટા અનુસાર સ્ટ્રોકના કેસમાં લગભગ 8%નો વધારો થયો છે, આ અંગે સાવચેત રહેવાની જરૂર છે.


કઇ ઉંમરમાં સ્ટ્રૉકનો ખતરો વધુ 
સીડીસીના અહેવાલ મુજબ, 18 થી 44 વર્ષની વયના લોકોમાં સ્ટ્રૉકના કેસમાં 14.6% અને 45-64 વર્ષની વયના લોકોમાં 15.7% જેટલો વધારો થયો છે. 2000 થી 2018 સુધીમાં, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા 45-64 વર્ષની વયના લોકોની સંખ્યામાં જે સ્ટ્રોકનું મુખ્ય કારણ છે, તેમાં 6% થી વધુનો વધારો થયો છે. જીવનશૈલી અને આહારમાં ગરબડને કારણે આ સમસ્યા વધુ જોવા મળે છે.


સ્ટ્રૉકના ખતરાને કઇ રીતે ઓછો કરશો 
1. હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રેસ અને ડાયાબિટીસને કંટ્રોલ કરીને સ્ટ્રોકથી બચી શકાય છે.
2. તમારા આહારમાં સુધારો કરવાનો પ્રયાસ કરો. ફાઇબર સામગ્રી વધારો. દરરોજ ફાઇબરનું સેવન 7 ગ્રામ વધારીને, તમે સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકો છો.
3. સારી દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલીથી હૃદયરોગ અને સ્ટ્રોકથી બચી શકાય છે.
4. નિયમિતપણે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર તપાસતા રહો.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.