Health Tips: ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, ઊંઘમાં મૃત્યુ એ જિંદગના અંતનો સૌથી શાંતિપૂર્ણ માર્ગ છે. પરંતુ તબીબી વિજ્ઞાન કહે છે કે તે ઘણીવાર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત છે. ડોકટરોના મતે, ઊંઘ દરમિયાન અચાનક મૃત્યુ મોટે ભાગે હૃદય, ફેફસાં અથવા મગજને લગતા રોગોને કારણે થાય છે. ચાલો તમને જણાવીએ કે તે કેવી રીતે થાય છે અને તેના માટે કઈ બાબતો જવાબદાર છે.
અચાનક હાર્ટ એટેક કેમ આવે છે?
કાર્ડિયોલોજિસ્ટ્સ કહે છે કે ઊંઘમાં મૃત્યુનું સૌથી મોટું કારણ સડન કાર્ડિયાક એરેસ્ટ (SCA) છે. આમાં, હૃદય અચાનક ધબકતું બંધ થઈ જાય છે. આ સમસ્યા ખાસ કરીને કોરોનરી ધમની રોગ, અનિયમિત ધબકારા (એરિથમિયા) અને હાર્ટ વાલ્વ ડિસઓર્ડર સાથે સંકળાયેલી છે. ડૉ. પ્રમોદ કુમાર સમજાવે છે, "જો હૃદય રોગનું સમયસર નિદાન થઇ જાય તો અને દર્દી નિયમિત તપાસ સારવાર કરાવે, તો ઊંઘમાં હાર્ટ ફેલ્યોરથી મૃત્યુનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે."
ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (OSA) એક ગંભીર સ્લીપ ડિસઓર્ડર છે, જેમાં ઊંઘતી વખતે શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે. આનાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે અને હૃદય પર દબાણ વધે છે. તે હાર્ટ એટેક, સ્ટ્રોક અને અચાનક મૃત્યુનું કારણ બની શકે છે. ડૉ. મધુમાલા કહે છે, "CPAP થેરાપી, વજન નિયંત્રણ અને દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહેવું ઊંઘની ગુણવત્તા સુધારવા અને OSA ના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે."
ડાયાબિટીસ
ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓ રાત્રે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું થવાને કારણે (હાઈપોગ્લાયકેમિઆ) અચાનક મૃત્યુ પામી શકે છે. આને "ડેડ ઇન બેડ સિન્ડ્રોમ" કહેવામાં આવે છે. એન્ડોક્રિનોલોજિસ્ટ ભલામણ કરે છે કે દર્દીઓએ સૂતા પહેલા તેમના શર્કરાનું સ્તર તપાસવું જોઈએ અને ડૉક્ટરની માર્ગદર્શિકા મુજબ ઇન્સ્યુલિનનો ડોઝ લેવો જોઈએ.
વાઈ અને SUDEP
વાઈના દર્દીઓને વાઈમાં અચાનક અણધાર્યા મૃત્યુ (SUDEP) થવાનું જોખમ રહેલું છે, જે ઘણીવાર ઊંઘ દરમિયાન થાય છે.
ન્યુરોલોજીસ્ટના મતે, સમયસર દવાઓ લેવાથી, હુમલા મોનિટરિંગ ડિવાઇસનો ઉપયોગ કરવાથી અને ડૉક્ટર સાથે નિયમિત પરામર્શ કરવાથી SUDEP નું જોખમ ઘણું ઓછું થાય છે.
સ્ટ્રોક અને અન્ય સમસ્યાઓ
હાઈ બ્લડ પ્રેશર, બ્લોકેજ અથવા બ્રેઈન એન્યુરિઝમ રાત્રે સ્ટ્રોકનું કારણ બની શકે છે. ડૉ. સંજય વર્મા (ન્યુરોલોજીસ્ટ) સમજાવે છે, "હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું, કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખવું અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવી એ સ્ટ્રોકથી બચવાનો સૌથી સલામત રસ્તો છે."
શ્વસન સમસ્યાઓ
COPD, ગંભીર અસ્થમા અથવા ફેફસાના ચેપથી ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા દર્દીઓને નિયમિત દવા, ઇન્હેલર લેવાની અને પ્રદૂષણથી ખુદને પ્રોટેક્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.
કયા પરિબળો જવાબદાર છે
ધૂમ્રપાન
આલ્કોહોલ
સ્થૂળતા
અનિયમિત ઊંઘ
આ બધા પરિબળો હૃદય અને ફેફસાના રોગોનું જોખમ વધારે છે અને ઊંઘમાં મૃત્યુની શક્યતા અનેક ગણી વધારે છે.
ઊંઘમાં મૃત્યુને શાંતિપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ તે ઘણીવાર ગંભીર અને છુપાયેલા રોગો તરફ ઈશારો કરે છે. હૃદય રોગ, સ્લીપ એપનિયા, ડાયાબિટીસ, સ્ટ્રોક અને વાઈ જેવી સ્થિતિઓ આ પાછળના મુખ્ય કારણો છે.આ પ્રકારના કેસ માટે ડોકટરની સલાહ છે કે, સમયસર તપાસ, દવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને આ જોખમોને ઘણી હદ સુધી ટાળી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો