healthy heart breakfast recipes: આજની દોડધામ ભરેલી લાઇફસ્ટાઇલમાં હૃદયને સ્વસ્થ રાખવું એ સૌથી મોટો પડકાર બની ગયો છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે માત્ર દવાઓ કે કસરત જ કાફી નથી, પરંતુ સવારે ઉઠીને તમે નાસ્તામાં શું ખાઓ છો તેની સીધી અસર તમારા હૃદય પર પડે છે. આખી રાતની ઊંઘ પછી સવારનો નાસ્તો માત્ર શરીરને એનર્જી જ નથી આપતો, પણ મેટાબોલિઝમને એક્ટિવ કરીને આખા દિવસ માટે સ્વાસ્થ્યને બેલેન્સ કરે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે નાસ્તામાં વધારે પડતું તેલ, ઘી, માખણ, તળેલો ખોરાક કે ખાંડવાળી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને વજન વધવાનું જોખમ રહે છે. તેથી, હાર્ટના દર્દીઓ માટે એવો નાસ્તો પસંદ કરવો જરૂરી છે જે ટેસ્ટી પણ હોય અને હૃદય માટે ફાયદાકારક પણ. ચાલો જાણીએ કે હાર્ટ પેશન્ટ્સે આખા અઠવાડિયા દરમિયાન સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ.
હૃદય માટે સવારનો નાસ્તો કેમ જરૂરી છે?
એક હેલ્ધી બ્રેકફાસ્ટ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે, આખો દિવસ એનર્જી જાળવી રાખે છે અને વારંવાર લાગતી ભૂખને ઓછી કરે છે. આ ઉપરાંત, તે કોલેસ્ટ્રોલ લેવલને મેન્ટેન કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. એક બેલેન્સ્ડ નાસ્તામાં આખા અનાજ (Whole Grains), પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન, પૂરતા પ્રમાણમાં શાકભાજી અને લિમિટમાં હેલ્ધી ફેટ હોવી જોઈએ.
હાર્ટ પેશન્ટ્સ માટે 7 દિવસનો બ્રેકફાસ્ટ પ્લાન
1. સોમવાર (ઓટ્સ ઉપમા): અઠવાડિયાની શરૂઆત હેલ્ધી ઓટ્સના ઉપમાથી કરો. આ ફાઈબરથી ભરપૂર અને પચવામાં એકદમ હળવો નાસ્તો છે. ઓટ્સમાં રહેલું બીટા-ગ્લુકન ફાઈબર વધારાના કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ગાજર, બીન્સ અને વટાણા નાખવાથી પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ્સ મળે છે, જે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે.
2. મંગળવાર (બેસનનો ચિલ્લો): ચણાના લોટનો ચિલ્લો (પૂડલો) પ્રોટીન અને ફાઈબરનું બેસ્ટ કોમ્બિનેશન છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે બ્લડ સુગરને અચાનક વધવા દેતો નથી. તેમાં પાલક, ટામેટાં, ડુંગળી અને દૂધી નાખીને તેને વધુ હેલ્ધી બનાવી શકાય છે.
આ પણ વાંચોઃ બીટરૂટ અને ચ્યુઇંગ ગમનું મિશ્રણ હૃદય માટે વરદાન? વૈજ્ઞાનિકોએ સંશોધનમાં કર્યો મોટો દાવો
3. બુધવાર (ફણગાવેલા મગનું સલાડ): જો વચ્ચેના દિવસે કંઈક હળવું ખાવું હોય તો સ્પ્રાઉટ્સ (ફણગાવેલા મગ) નું સલાડ બેસ્ટ છે. તેમાં ફેટ ઓછી અને પ્રોટીન, ફાઈબર વધુ હોય છે. કાકડી, ટામેટાં, કોથમીર અને લીંબુનો રસ નાખીને બનાવેલું આ સલાડ પાચન સુધારે છે અને કોલેસ્ટ્રોલને પણ બેલેન્સ કરે છે.
4. ગુરુવાર (વેજીટેબલ દલિયા/ફાડા): દલિયા (ઘઉંના ફાડા) ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમાં રહેલા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ ધીમે ધીમે પચે છે, જેથી સુગર લેવલ જળવાઈ રહે છે. સીઝનલ શાકભાજી નાખીને બનાવેલા ફાડા પાચનતંત્ર માટે પણ સારા છે.
5. શુક્રવાર (રાગીનો ઢોસો): હાર્ટ પેશન્ટ્સ માટે રાગી ખૂબ જ ફાયદાકારક છે. રાગીમાં ફાઈબર, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ હૃદયનો તણાવ ઘટાડે છે. આ ઢોસાને તમે સાંભાર અને ચટણી સાથે માણી શકો છો.
6. શનિવાર (મલ્ટિગ્રેન વેજ સેન્ડવિચ): વીકેન્ડમાં જો ઉતાવળ હોય તો મલ્ટિગ્રેન અથવા આખા ઘઉંની બ્રેડમાંથી બનેલી વેજ સેન્ડવિચ એક સારો ઓપ્શન છે. બ્રેડનું ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે. માખણની જગ્યાએ તમે દહીં કે હમસનો ઉપયોગ કરી શકો છો અને અંદર કાકડી, ટામેટાં કે પાલક ભરી શકો છો.
7. રવિવાર (હેલ્ધી સ્મૂધી): રજાના દિવસે નાસ્તામાં ફ્રૂટ્સ, ઓટ્સ, બદામ, ચિયા સીડ્સ (તકમરિયા) અને ટોન્ડ મિલ્ક (ફેટ વગરના દૂધ) માંથી બનેલી સ્મૂધી પીવો. ચિયા સીડ્સમાં ઓમેગા-3 હોય છે જે નસોનો સોજો ઘટાડે છે, જ્યારે બદામ ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.
ખાસ નોંધ (Disclaimer): આ માહિતી સામાન્ય રિસર્ચ અને ડાયેટ એક્સપર્ટ્સના મંતવ્યો પર આધારિત છે. આને કોઈ મેડિકલ સારવારનો વિકલ્પ ન ગણવો. હાર્ટ પેશન્ટ્સે પોતાના ડાયેટમાં કોઈ પણ નવો ફેરફાર કરતા પહેલા પોતાના ડૉક્ટર કે ડાયેટિશિયનની સલાહ ચોક્કસ લેવી.
આ પણ વાંચોઃ સ્વસ્થ રહેવા રોજ કેટલા કિમી ચાલવું?
