Heart attack normal cholesterol: આજના સમયમાં 30 થી 40 વર્ષના એકદમ ફિટ દેખાતા યુવાનોને પણ અચાનક હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આવા દર્દીઓનો કોલેસ્ટ્રોલ રિપોર્ટ એકદમ નોર્મલ હોય છે. તો પછી હૃદયને નુકસાન કોણ કરી રહ્યું છે? તબીબી નિષ્ણાતોના મતે, આની પાછળ 'લિપોપ્રોટીન(a)' એટલે કે Lp(a) નામનું એક છુપાયેલું જેનેટિક માર્કર (આનુવંશિક તત્વ) જવાબદાર છે. જે રૂટીન બ્લડ ટેસ્ટમાં પકડાતું નથી અને સાયલન્ટ કિલર બનીને ધીમે ધીમે હૃદય રોગનો ખતરો ઊભો કરે છે. ચાલો સમજીએ કે આ Lp(a) શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
આજના યુવાનો માટે છૂપો ખતરો
તમે કદાચ સાંભળ્યું હશે કે કોઈ 38 વર્ષનો એકદમ ફિટ યુવાન ઓફિસે જતો હોય અને અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડે. તેનો છેલ્લો કોલેસ્ટ્રોલ રિપોર્ટ પણ બિલકુલ નોર્મલ હોય. ડોક્ટરો માટે હવે ભારતમાં આ કોઈ નવી કે દુર્લભ વાત નથી રહી. આપણે હંમેશા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારવા પર ધ્યાન આપીએ છીએ. આહાર પર કંટ્રોલ કરીએ છીએ અને નિયમિત કસરત કરીએ છીએ. રિપોર્ટ નોર્મલ આવે એટલે આપણે નિરાંતનો શ્વાસ લઈએ છીએ કે આપણું હૃદય સુરક્ષિત છે. પણ વાસ્તવમાં જે સૌથી મોટો ખતરો છે, તે એ રિપોર્ટમાં ક્યારેય દેખાતો જ નથી.
લિપોપ્રોટીન(a) અથવા Lp(a) શું છે?
લિપોપ્રોટીન(a) એ કોલેસ્ટ્રોલનો જ એક એવો ચાલાક કણ છે જે આપણા સામાન્ય લિપિડ પ્રોફાઇલ ટેસ્ટમાં ક્યારેય છતો થતો નથી. તે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) કરતાં પણ વધુ ખતરનાક વર્તન કરે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સારો આહાર કે કસરત આની સામે કામ કરતા નથી, કારણ કે આ તમારા જન્મથી જ તમારા DNA (આનુવંશિકતા) માં લખાયેલું છે. ભારતીયોમાં આ માર્કરનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે કોઈને ખબર પડ્યા વગર શાંતિથી હૃદય રોગનો પાયો નાખે છે.
આ પણ વાંચોઃ મધ અને ઓટ્સનું કોમ્બો: વજન ઘટાડવા માટે બેસ્ટ ઉપાય!
ભારતમાં હાર્ટ એટેકનું 10 થી 15 વર્ષ વહેલું આગમન
ભારતની હોસ્પિટલોમાં એક ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 30 અને 40 ના દાયકાના યુવાનો, જેમનામાં હાર્ટ એટેકના કોઈ અગાઉના ચેતવણીરૂપ લક્ષણો કે ખરાબ રિપોર્ટ્સ નથી હોતા, તેઓ મોટા હાર્ટ એટેક સાથે સીધા ઇમરજન્સી વોર્ડમાં પહોંચી રહ્યા છે. પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતીયોને 10 થી 15 વર્ષ વહેલા હાર્ટ એટેક આવી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિસર્ચ સહિતના ઘણા અભ્યાસો દર્શાવે છે કે આ પાછળ માત્ર ખરાબ જીવનશૈલી જ નહીં, પણ જેનેટિક્સ દ્વારા વધતું Lp(a) લેવલ મોટો ભાગ ભજવે છે.
તો આનો ઉપાય શું છે? આપણે શું કરી શકીએ?
કડવું સત્ય એ છે કે, હાલમાં Lp(a) ઘટાડવા માટે કોઈ જાદુઈ ગોળી, કોઈ સ્પેશિયલ ડાયેટ કે કોઈ ચોક્કસ કસરત ઉપલબ્ધ નથી. પણ તેનો અર્થ એ નથી કે આપણે હાર માની લેવી જોઈએ. સાચી જાણકારી જ તમારું સૌથી મોટું હથિયાર છે:
Lp(a) નો સ્પેશિયલ ટેસ્ટ કરાવો: ડોક્ટરો ખાસ સલાહ આપે છે કે જો તમારા પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન કે કોઈ નજીકના સંબંધીને 60 વર્ષની ઉંમર પહેલાં હાર્ટ એટેક, સ્ટ્રોક કે હૃદયની બીમારી થઈ હોય, તો તમારે વિલંબ કર્યા વિના તરત જ ડૉક્ટરની સલાહ લઈને પોતાનો Lp(a) નો બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ.
અન્ય જોખમો પર કડક નિયંત્રણ: જો ડૉક્ટરને ખબર પડે કે તમારું Lp(a) લેવલ વધારે છે, તો તેઓ તમને અન્ય રિસ્ક ફેક્ટર્સને આક્રમક રીતે કંટ્રોલ કરવાની સલાહ આપશે. જેમ કે, LDL કોલેસ્ટ્રોલ લેવલને એકદમ નીચું રાખવું, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને કડકાઈથી કંટ્રોલમાં રાખવા અને વજન ઘટાડવું. આવું કરવાથી હૃદય રોગનું એકંદર જોખમ ઘણું ઘટાડી શકાય છે.
ખાસ નોંધ: સામાન્ય કોલેસ્ટ્રોલ રિપોર્ટનો અર્થ એવો બિલકુલ નથી કે તમારું હૃદય 100% સ્વસ્થ છે. તેનો અર્થ માત્ર એટલો જ છે કે તે સામાન્ય ટેસ્ટમાં કોઈ સમસ્યા નથી પકડાઈ. તમારા ડૉક્ટરને Lp(a) વિશે અચૂક પૂછો અને જરૂરી હોય તો ટેસ્ટ કરાવો. સ્વાસ્થ્ય અંગે અજ્ઞાનતામાં રાચવું એ એક મોટો જુગાર છે, જે ક્યારેય જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ સૂતા પહેલા ચહેરો ધોવો જોઈએ કે નહીં?
