જમ્મુ કાશ્મીરમાં મંગળવારે પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા છે, નોંઘનિય છે કે, શ્રીનગરમાં હાલ મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. આ દરમિયા બાપુએ વ્યથિત હૃદયે આતંકી હુમલામાં માર્યો ગયેલા મૃતકોની શાંતિ માટે અને ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. મોરારીબાપુએ દુ:ખી હૃદયે મૃતકના પરિવજનો સાંત્વના પાઠવી હતી. કથાકાર મોરારીબાપુએ આતંકની સમગ્ર ઘટનાને વખોડી હતી. કથામાં આવેલા કોઈ વ્યક્તિને ઈજા ન થઈ હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.
મોરારી બાપૂએ કથા દરમિયાન કહ્યું કે, “હું મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયાં છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરૂં છું. કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે. હાલ, કોઇ પર્યટન હેતુ માટે ગયાં હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઇ હોઇ શકે. આ ઘટના કથાના સ્થળેથી 100 કિમી દૂર ઘટી છે. અહીં સંપૂર્ણ સુરક્ષા છે, પરંતુ મનમાં પીડા છે. રામકથા સાથે જોડાયેલા હોય કે ન હોય, દરેક વ્યક્તિને મારી શ્રદ્ધાંજલિ. હું પરમ સ્નેહી અરૂણભાઇને કહીશ કે દિવંગત વ્યક્તિઓના પરિવારોને રૂ. 5 લાખ તુલસીપત્રરૂપે સહાય આપવાની વ્યવસ્થા કરે”.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ ગુજરાતીઓના મોતના સમાચાર છે. સુરતના એક યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું આતંકી હુમલામાં મોત થયું છે. સુરતથી મુંબઈ સ્થાયી થયેલા શૈલેષ કળથિયાનું મોત થયું છે. શૈલેષભાઇ પત્ની અને સંતાનો સાથે કશ્મીર ફરવા ગયા હતા. શૈલેષ કળથિયા ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા. તેઓ બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતા હતા. ભાવનગરના પિતા પુત્ર મોરારિબાપુની કથામાં ગયા હતા. કથા પૂર્ણ થયા બાદ તેઓ શ્રીનગર ફરવા ગયા હતા.