National Cancer Awareness Day 2023: કેન્સર એક જીવલેણ રોગ છે પરંતુ તેનું નિદાન તેનાથી પણ વધુ ખતરનાક છે. કેન્સરના લક્ષણો એવા હોય છે કે તેની વહેલા ઓળખ કરવી મુશ્કેલ હોય છે. દર વર્ષે 7મી નવેમ્બરને કેન્સરની ઓળખ, નિવારણ અને સારવાર માટે 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 2014થી 7 નવેમ્બરને 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો 6માંથી 1 મૃત્યુ કેન્સરને કારણે થાય છે. WHO દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલ 'ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર' (IARC)ના 'વર્લ્ડ કેન્સર રિપોર્ટ'માં જણાવવામાં આવ્યું છે કે જીવલેણ રોગના વૈશ્વિક કેસોની કુલ સંખ્યાના 49.3 ટકા એશિયામાં છે. રિપોર્ટમાં અંદાજ છે કે 2020-2040 દરમિયાન એશિયામાં રોગના નવા કેસોમાં 59.2 ટકાનો વધારો થશે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 10 માંથી એક ભારતીયને તેમના જીવનકાળમાં કેન્સર થશે અને 15 માંથી 1નું તેનાથી મૃત્યુ પામશે.


વોકહાર્ટ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે 1.1 મિલિયન નવા કેન્સરના કેસ નોંધાય છે અને આમાંથી મોટાભાગના કેસો જ્યારે કેન્સર ત્રીજા તબક્કામાં પહોંચી જાય ત્યારે જાણ થાય છે.


રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ: ઇતિહાસ


રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની જાહેરાત સૌપ્રથમવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન દ્વારા સપ્ટેમ્બર 2014માં કરવામાં આવી હતી. તેથી, વર્ષ 2014 માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને કેન્સરને વહેલી તકે કેવી રીતે શોધી શકાય અને કેવા પ્રકારની સારવારની જરૂર છે તેના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું.


કેન્સર શું છે?


WHO અનુસાર, 'કેન્સર એ રોગોનું એક મોટું જૂથ છે જે શરીરના લગભગ કોઈપણ અંગ અથવા પેશીઓમાં શરૂ થઈ શકે છે જ્યારે અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે વધે છે, તેમની સામાન્ય સીમાઓથી આગળ વધે છે અને શરીરના નજીકના ભાગો પર આક્રમણ કરે છે. અને/અથવા અન્ય અવયવોમાં ફેલાય છે.  પછીની પ્રક્રિયાને મેટાસ્ટેસિસિંગ કહેવામાં આવે છે અને તે કેન્સરથી મૃત્યુનું મુખ્ય કારણ છે.


કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર


પુરુષોમાં કેન્સરના સૌથી સામાન્ય પ્રકારો ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ, પેટ અને લીવર કેન્સર છે, જ્યારે સ્ત્રીઓમાં સૌથી સામાન્ય રીતે સ્તન, કોલોરેક્ટલ, ફેફસાં, ગર્ભાશય અને થાઇરોઇડ કેન્સર છે.


કેન્સરનું કારણ શું છે?


કેન્સર થવા પર એક ટિશ્યૂઝ અનેક તબક્કાઓમાંથી પસાર થઇને એક ટ્યૂમરમાં ફેરવાય છે. જે સામાન્ય રીતે કેન્સર કે ઘાનું રૂપ ધારણ કરે છે. તમારી ખરાબ જીવનશૈલી કેન્સરનું મુખ્ય કારણ બની શકે છે. સ્તન કેન્સર અને કોલોરેક્ટમ કેન્સર વધુ વજન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.


શું આપણે કેન્સરને અટકાવી શકીએ?


WHO અનુસાર, કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આ અંગેની જાણકારી અહી આપવામાં આવી છે. 


જીવનશૈલીમાં આવા સુધારા કરો


-તમાકુ ખાવાનું ટાળો


-શરીરનું વજન જાળવી રાખવું


-તંદુરસ્ત આહાર લેવો, (તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો)


-શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે


-દારૂ પીવાનું ટાળો અથવા ઓછું કરો


-એચપીવી અને હેપેટાઇટિસ બી સામે રસી મેળવવી


-અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને ટાળો (સૂર્યપ્રકાશ અને કૃત્રિમ ટેનિંગ ઉપકરણોના વધુ પડતા સંપર્કને ટાળો)


-આરોગ્ય સંભાળમાં રેડિયેશનના સલામત અને યોગ્ય ઉપયોગની ખાતરી કરવી.


-આઉટડોર અને ઇન્ડોર વાયુ પ્રદૂષણના સંપર્કમાં ઘટાડો


રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ: મહત્વ


વિવિધ આરોગ્ય સંસ્થાઓ, સરકારી એજન્સીઓ અને બિન-લાભકારી જૂથો રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવા અને સમગ્ર દેશમાં કેન્સરના કેસોને ઘટાડવા માટે કામ કરવા માટે જાગૃતિ ઝુંબેશ, સેમિનાર અને સ્ક્રીનીંગનું આયોજન કરવા સહયોગ કરે છે.