Neurological Problems: આજકાલ મોટી સંખ્યામાં યુવાનો ન્યૂરોલોજીકલ પ્રોબ્લેમથી પીડિત છે, જે દુનિયા માટે સૌથી મોટી ચિંતા બની રહી છે. તે માત્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નથી કરતું, ક્વોલિટી ઓફ લાઇફને પણ ખરાબ રીતે અસર કરી શકે છે. આ અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ધ લેન્સેટ ન્યૂરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે વર્ષ 2021માં વિશ્વભરમાં 3.4 અબજ અથવા 340 કરોડથી વધુ લોકો વિવિધ પ્રકારની ન્યૂરોલોજીકલ સમસ્યાઓ સાથે જીવી રહ્યા છે. ચાલો જાણીએ શું કહે છે અભ્યાસ...


ન્યૂરોલોજીકલ સમસ્યાઓ શું છે?


સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આપણું મગજ, કરોડરજ્જુ અને ચેતાતંત્ર મળીને નર્વસ સિસ્ટમ બનાવે છે, જે શરીરની તમામ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. જ્યારે નર્વસ સિસ્ટમનો કોઈપણ ભાગ સંવેદનશીલ હોય અથવા કોઈપણ રોગથી પ્રભાવિત હોય, ત્યારે ઘણા જોખમો જોવા મળે છે. ન્યૂરોલોજીકલ સમસ્યાઓ ચાલવા, બોલવામાં, ખાવામાં, ગળવામાં, શ્વાસ લેવામાં અને નવી વસ્તુઓ શીખવામાં સમસ્યા ઊભી કરી શકે છે. જેના કારણે યાદશક્તિ નબળી પડી જાય છે અને માનસિક સમસ્યાઓ વધી શકે છે. ન્યૂરોલોજીકલ ડિસઓર્ડરમાં કેટલીક પરિસ્થિતિઓ ખૂબ ગંભીર માનવામાં આવે છે. ક્યારેક આ જીવલેણ પણ બની શકે છે.


ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર મૃત્યુનું કારણ બની શકે છે


લેન્સેટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, વૈશ્વિક વસ્તીમાં વધારા સાથે પ્રદૂષણમાં રહેવું, મેટાબોલિઝમ અને લાઇફ સ્ટાઇલ સંબંધિત જોખમોના કારણે આ સમસ્યાનો ખતરો વધી રહ્યો છે. સંશોધકોએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં છેલ્લા 31 વર્ષોમાં ન્યૂરોલોજીકલ પરિસ્થિતિઓને કારણે અપંગતા અને અકાળ મૃત્યુના કેસોમાં વધારો થયો છે. જે ડિસેબિલિટી એડજસ્ટેડ લાઇફ ઇયર્સ (DALYs) તરીકે ઓળખાય છે. જેમાં 18 ટકાનો વધારો થયો છે.


ટોચની 10 ન્યૂરોલોજીકલ સમસ્યાઓ


આ અભ્યાસ મુજબ, વર્ષ 2021માં જે 10 સૌથી વધુ ન્યૂરોલોજીકલ સમસ્યાઓની ઝપેટમાં લોકો આવ્યા તેમાં સ્ટ્રોક, નિયોનેટલ, એન્સેફાલોપથી એટલે કે મગજની ઈજા, માઇગ્રેન, અલ્ઝાઇમર-ડિમેન્શિયા, ડાયાબિટીક ન્યૂરોપથી, મેનિનજાઇટિસ, એપિલેપ્સી, સમય અગાઉ જન્મ થવાના કારણે બાળકોમાં ન્યૂરોલોજિકલ મુશ્કેલી, ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અને નર્વસ સિસ્ટમનું કેન્સર સામેલ છે.


સંશોધકો શું કહે છે


ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME), વોશિંગ્ટન ખાતે અભ્યાસ અને સંશોધનના મુખ્ય લેખક ડૉ. જેમી સ્ટેઈનમેટ્ઝે જણાવ્યું હતું કે લગભગ તમામ દેશોમાં આવી સમસ્યાઓ વધી છે. ન્યૂરોલોજીકલ ડિસઓર્ડરને કારણે 80 ટકાથી વધુ મૃત્યુ અને આરોગ્ય સંબંધિત જોખમો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં નોંધવામાં આવે છે. આ વધતી જતી સમસ્યાઓ છતાં 2017 સુધી સમગ્ર વિશ્વમાં માત્ર એક ક્વાર્ટર દેશો પાસે ન્યૂરોલોજીકલ સમસ્યાઓ માટે અલગ બજેટ હતું અને અડધા દેશો પાસે ક્લિનિકલ માર્ગદર્શિકા હતી. આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાથી તમામ દેશોએ તેને ગંભીરતાથી લેવી જોઈએ.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.