How Sleeping Position Affects Face: આપણે ઘણીવાર વૃદ્ધત્વની અસરો ઘટાડવા માટે સ્કિન કેર પ્રોડક્ટસ, સ્કિન કેર ટ્રીટમેન્ટ અને ડાયટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ એક મહત્વપૂર્ણ પાસું જેની ચર્ચા ઓછી થાય છે તે છે ઊંઘની મુદ્રા. હકીકતમાં, તમે જે પોઝિશનમાં સૂઓ છો તે તમારી ત્વચાને અકાળે વૃદ્ધત્વ તરફ દોરી શકે છે. . શું તમે ક્યારેય સવારે ઉઠીને તમારા ગાલ પર ઊંડી રેખાઓ અથવા તમારી આંખોની આસપાસ સોજો જોયો છે? આ ચિહ્નો થોડા સમય પછી પોતાની મેળે દૂર થઈ જાય છે, પરંતુ જો તે દરરોજ ચાલુ રહે છે, તો તે ધીમે ધીમે ત્વચાની સ્થિતિસ્થાપકતા અને ચહેરાના બંધારણને અસર કરી શકે છે. પ્રશ્ન એ છે કે, શું અમુક ઊંઘની મુદ્રાઓ લાંબા ગાળે કરચલીઓ અથવા ઝૂલતી ત્વચાનું કારણ બની શકે છે? ચાલો શું છે હકીકત જાણીએ....
શું કહે છે નિષ્ણાતો?
પીએસઆરઆઈ (PSRI) હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડો. લક્ષ્ય ભક્ત્યાનીએ 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' ને જણાવ્યું કે, કેટલીક સ્લીપ પોઝિશન (સૂવાની રીત) ખરેખર સ્કીન એજિંગ (ત્વચાનું વૃદ્ધત્વ) વધારી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, પડખે ફરીને અથવા પેટના બળે સૂવાથી ચહેરો ઓશીકા સાથે દબાય છે, જેના કારણે ઘર્ષણ અને દબાણ પેદા થાય છે. લાંબા સમય સુધી આવું થવાથી 'સ્લીપ લાઈન્સ' એટલે કે એવી રેખાઓ બની શકે છે, જે આગળ જતાં કાયમી કરચલીઓમાં ફેરવાઈ જાય છે. આ કરચલીઓ ખાસ કરીને ગાલ, કપાળ અને જડબા ની આસપાસ જોવા મળે છે. પડખે સૂવાથી ગુરુત્વાકર્ષણને કારણે જડબા અને ગરદન પાસેની ત્વચા ઢીલી પડવાનું જોખમ પણ વધી જાય છે.
ત્વચા પર પડે છે અસર
ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર સોજો અથવા કરચલીઓ (ક્રીઝ) જુએ છે. સામાન્ય રીતે આ અસ્થાયી હોય છે અને સૂવા દરમિયાન દબાણ અથવા 'ફ્લુઈડ રિટેન્શન' (પ્રવાહીનો ભરાવો) ને કારણે થાય છે. પરંતુ જો આ પેટર્ન લાંબા સમય સુધી દરરોજ બની રહે, તો ત્વચાનું કોલેજન સ્ટ્રક્ચર અને તેની લવચીકતા ધીમે-ધીમે પ્રભાવિત થઈ શકે છે. સતત સોજો રહેવો એ ક્યારેક લિમ્ફેટિક ડ્રેનેજની ઉણપ અથવા કોઈ આંતરિક સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે, જોકે મોટાભાગના કિસ્સાઓમાં તે સૂતી વખતે ચહેરા પર પડતા દબાણ સાથે સંબંધિત હોય છે.
બચાવના ઉપાયો
ત્વચાને બચાવવા માટે યોગ્ય ઓશીકા અને તેના કપડાની પસંદગી પણ મદદરૂપ થઈ શકે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર:
સિલ્ક અથવા સેટિનના ઓશીકા: કોટન (સૂતર) ની સરખામણીમાં સિલ્ક કે સેટિનના કવર ઓછું ઘર્ષણ પેદા કરે છે, જેનાથી ત્વચા પર કરચલીઓ ઓછી પડે છે.
ઓર્થોપેડિક અથવા મેમરી ફોમ પિલો: આ ઓશીકા વધુ સારું સપોર્ટ આપે છે અને ચહેરા પર દબાણ ઘટાડે છે.
સૌથી શ્રેષ્ઠ પોઝિશન: ત્વચા માટે સૌથી સુરક્ષિત પોઝિશન પીઠના બળે (ચત્તા) સૂવું માનવામાં આવે છે. આનાથી ચહેરા પર સીધું દબાણ પડતું નથી.
માથું ઊંચું રાખવું: માથાને થોડું ઊંચું રાખીને સૂવાથી આંખોની આસપાસ પ્રવાહી જમા થતું અટકાવી શકાય છે, જેનાથી સવારનો સોજો પફી આઇ જેવી સમસ્યાઓથી બણ બચી શકાય છે.