small guava benefits: સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રૂટ માર્કેટમાં જઈએ છીએ, ત્યારે આપણી નજર મોટા અને ભરાવદાર ફળો પર જ અટકે છે. આપણી એક સામાન્ય માન્યતા હોય છે કે ફળ જેટલું મોટું, તેટલા તેના ફાયદા અને સ્વાદ વધારે. પરંતુ, જામફળ (Guava) ના કિસ્સામાં આ થિયરી ખોટી સાબિત થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, બજારમાં મોંઘા ભાવે વેચાતા મોટા જામફળ કરતા સસ્તા અને કદમાં નાના જામફળ (Small Guava) સ્વાસ્થ્ય માટે અનેકગણા વધુ ગુણકારી છે.
શા માટે નાના જામફળ શ્રેષ્ઠ છે?
મોટા જામફળ સામાન્ય રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે ઉગાડવામાં આવે છે, જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તે ઝડપથી પાકી જાય છે. તેનાથી વિપરીત, નાના જામફળને તૈયાર થવામાં વધુ સમય લાગે છે, જેના કારણે તેમાં પાણી ઓછું અને ફાઇબર (Fiber) નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેનો ગર્ભ (પલ્પ) ઘટ્ટ અને મજબૂત હોય છે, જે આપણી પાચન શક્તિ (Digestion) સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
વજન ઘટાડવા અને ડાયાબિટીસમાં રામબાણ
આજના સમયમાં વજન નિયંત્રણ (Weight Loss) એક મોટી સમસ્યા છે. નાના જામફળ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. તેમાં રહેલું ફાઇબર ધીમે ધીમે પચે છે, જેથી તમને વારંવાર ભૂખ લાગતી નથી અને ઓવરઈટિંગથી બચી શકાય છે. બીજી તરફ, મોટા જામફળ વધુ મીઠા હોય છે અને નરમ હોવાથી જલ્દી પચી જાય છે, જે શરીરમાં સુગર લેવલ વધારી શકે છે.
જ્યારે નાના જામફળ સ્વાદમાં થોડા તૂરા અને ઓછા મીઠા હોય છે. આ કારણે તે લોહીમાં બ્લડ સુગર (Blood Sugar) ને એકદમ વધવા દેતા નથી પણ ધીરે-ધીરે એનર્જી રિલીઝ કરે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ નાનું જામફળ સુરક્ષિત અને ફાયદાકારક માનવામાં આવે છે.
લાંબી શેલ્ફ લાઈફ
ગૃહિણીઓ માટે પણ નાના જામફળ ખરીદવા ફાયદાકારક છે. મોટા જામફળમાં પાણી વધુ હોવાથી તે જલ્દી પીળા પડી જાય છે અને સડી જાય છે. જ્યારે નાના જામફળની શેલ્ફ લાઈફ લાંબી હોય છે; તે લાંબા સમય સુધી તાજા રહે છે અને જલ્દી બગડતા નથી. આમ, સ્વાસ્થ્ય અને આર્થિક બંને દ્રષ્ટિએ નાનું જામફળ 'મોટો ફાયદો' કરાવે છે.