સ્વસ્થ વ્યક્તિના શ્વાસમાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ દાંતને યોગ્ય રીતે સાફ ન કરવું છે. પરંતુ ક્યારેક કાચી ડુંગળી અને લસણ જેવી વસ્તુઓ ખાવાથી પણ મોંઢામાં દુર્ગંધ આવે છે. કારણ ગમે તે હોય દુર્ગંધના કારણે લોકો તમારી સાથે વાત કરતા શરમાતા હોય છે. જેનાથી તમારી ઇમેજ બગડે છે એટલું જ નહીં તમે શરમ અનુભવો છો. તો ચાલો જાણીએ કઈ રીતે આપણે મોંઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકીએ.
મોંઢામાંથી આવતી દુર્ગંધ પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે યોગ્ય રીતે બ્રશ ન કરવું અથવા તીવ્ર ગંધ ધરાવતો ખોરાક ખાવો, જેમ કે કાચી ડુંગળી વગેરે. આ સિવાય ક્યારેક મોઢાના સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાના કારણે પણ શ્વાસની દુર્ગંધની સમસ્યા થઈ શકે છે.
વ્યક્તિએ હંમેશા પાણી પીતા રહેવું જોઈએ. આમ કરવાથી તમે તમારી જાતને હંમેશા હાઇડ્રેટેડ રાખી શકો છો. પાણી પીવાથી મોંમાં લાળ ઉત્પન્ન થાય છે, જે બેક્ટેરિયાને વધતા અટકાવે છે અને શ્વાસની દુર્ગંધને અટકાવે છે.
આપણી જીભ પણ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે, કારણ કે આપણી જીભ પર પણ બેક્ટેરિયા હોય છે. જેના કારણે મોંઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેથી, દરરોજ સવારે અને સાંજે તમારા દાંત સાફ કર્યા પછી, તમારી જીભને ચોક્કસપણે સાફ કરો.
જો તમે મોંઢામાંથી આવતી દુર્ગંધથી ચિંતિત હોવ તો ત્રણેય ભોજન ખાધા પછી ફ્લોરાઈડ આધારિત ટૂથપેસ્ટથી બ્રશ કરો. તે એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે, જે શ્વાસની દુર્ગંધને ઓછી કરે છે.
ખાવા-પીવાથી આપણા મોઢાના સ્વાસ્થ્યને પણ અસર થાય છે, જેનાથી શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં ફાઈબર, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.
શ્વાસની દુર્ગંધ દૂર કરવા ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ. આ માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવા જોઈએ.
જો તમારા દાંતમાં ખોરાક ફસાઈ જાય છે, તો દરરોજ તમારા દાંતને ફ્લોસ કરો, કારણ કે તમારા દાંતમાં ફસાયેલ ખોરાકને કારણે દુર્ગંધ પણ આવી શકે છે.
જો તમને તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય, તો તમારે નિયમિત તપાસ માટે દાંતના ડોક્ટરની મુલાકાત પણ લેવી જોઈએ. દાંતના ડૉક્ટર પ્લેક અને બેક્ટેરિયાના દાંત સાફ કરે છે, જે શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.