sugarcane juice side effects: ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તાની બાજુમાં મળતો ઠંડો શેરડીનો રસ પીવો કોને ન ગમે? લીંબુ, ફુદીનો અને સંચળ નાખેલો આ રસ ગરમી અને થાક દૂર કરીને તરત જ એનર્જી આપે છે. પરંતુ, આપણે જેને સ્વાસ્થ્યવર્ધક અને ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક માનીએ છીએ, તે શેરડીનો રસ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. નિષ્ણાત ડોક્ટરોના મતે, શેરડીના રસના 2 મુખ્ય છુપાયેલા જોખમો છે, જેને ક્યારેય અવગણવા જોઈએ નહીં. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તે નુકસાનકારક છે અને રસ્તા પર સ્વચ્છતાના અભાવે આ રસ પીવાથી પાણીજન્ય બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.
વધુ પડતો શેરડીનો રસ પીવો કેમ નુકસાનકારક છે?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઉનાળામાં લોકો ડીહાઇડ્રેશનથી બચવા અને ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવા માટે શેરડીનો રસ પીવે છે. તેમાં રહેલી નેચરલ ખાંડ શરીરનો થાક તરત જ ઉતારી દે છે. જોકે, શેરડી કુદરતી રીતે ગળપણ ધરાવે છે, પરંતુ જ્યારે તેનો રસ કાઢવામાં આવે છે, ત્યારે તેમાંથી તમામ ફાઈબર (રેસા) નીકળી જાય છે. ફાઈબર વિનાનો આ રસ પીવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ ખૂબ જ ઝડપથી વધે છે. આ જ કારણસર ડાયાબિટીસના દર્દીઓ માટે શેરડીનો રસ પીવો જોખમી માનવામાં આવે છે. આ ઉપરાંત, જે લોકોને ફેટી લિવર, મેદસ્વિતા અથવા મેટાબોલિઝમ સંબંધિત કોઈ સમસ્યા હોય, તેમણે પણ આ રસનું સેવન મર્યાદિત કરવું જોઈએ. શરીરમાં વધારે પડતી ખાંડ જવાથી ચરબી જમા થાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
સ્વચ્છતાનો અભાવ: બીમારીઓને ખુલ્લું આમંત્રણ
શેરડીના રસ સાથે જોડાયેલું બીજું સૌથી મોટું જોખમ તેની બનાવટ અને સ્વચ્છતા છે. મોટાભાગે રસ્તા પર ખુલ્લામાં આ રસ વેચાતો હોય છે, જ્યાં મશીન, વપરાતો બરફ, પાણી અને ગ્લાસની યોગ્ય સાફ-સફાઈ રાખવામાં આવતી નથી. ડોક્ટરો ખાસ ચેતવણી આપે છે કે જો રસ કાઢવાનું મશીન કે તેમાં નાખવામાં આવતો બરફ દૂષિત હોય, તો ખતરનાક બેક્ટેરિયા અને વાયરસ સીધા તમારા શરીરમાં પ્રવેશી શકે છે. જેના લીધે ઉનાળામાં ટાઈફોઈડ, કોલેરા અને હેપેટાઈટીસ જેવા રોગો થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
આ પણ વાંચોઃ જિમ જતા યુવાનોમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેક? કસરત કરવાનો સાચો સમય અને રીત જાણો
કોણે ખાસ સાવધાની રાખવી જોઈએ?
સ્વાસ્થ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે ડાયાબિટીસ, ફેટી લિવર અને ઝડપથી બ્લડ સુગર વધવાની સમસ્યા ધરાવતા લોકોએ શેરડીનો રસ પીતા પહેલા સાવધાની રાખવી જોઈએ. આ ઉપરાંત, સામાન્ય લોકોએ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શેરડીનો રસ હંમેશા સ્વચ્છ જગ્યાએથી જ પીવો. રસ પીતા પહેલા મશીનની સફાઈ, વપરાતા પાણી અને બરફની ક્વોલિટી અચૂક તપાસી લેવી જોઈએ અને એકસાથે વધુ માત્રામાં રસ પીવાનું ટાળવું જોઈએ.
