મહિલાઓ હાડકામાં થતા દર્દ અને સાંધાના દુખાવાથી ખૂબ જ પરેશાન રહે છે. તેનાથી બચવા માટે વિટામિન્સ અને મિનરલ્સ લેવા ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. હાડકાંને મજબૂત કરવા માટે આવા જરૂરી પોષક તત્વોને આહારમાં સામેલ કરો જેથી હાડકા લાંબા સમય સુધી સ્વસ્થ રહે. હાડકાંને મજબૂત કરવા માટે માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ અન્ય ઘણા વિટામિન્સ અને પોષક તત્વોની પણ જરૂર પડે છે. મહિલાઓએ તેમના ડાયટમાં આ વિટામિનને સામેલ કરવા જરૂરી છે.


સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે જરૂરી વિટામિન્સ


કેલ્શિયમ


હાડકાંમાં દુખાવાની મુખ્ય સમસ્યા તેમના નબળા પડવાની છે. હાડકાંને મજબૂત કરવા માટે તમારે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. જો શરીરમાં પૂરતું કેલ્શિયમ ન હોય તો હાડકાં નબળાં પડી જાય છે. તેનાથી ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધી જાય છે. કેલ્શિયમ માટે ચીઝ, દહીં જેવી દૂધની બનાવટોનો સમાવેશ કરવો જોઈએ. શાકભાજીમાં બ્રોકોલી, સાલ્મન ફિશ, લીલા પાંદડાવાળા શાકભાજી અને કઠોળને સામેલ કરો.


વિટામિન ડી


હાડકાંને મજબૂત કરવા માટે વિટામિન ડી પણ ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમને શોષવા માટે શરીરમાં વિટામિન ડી હોવું આવશ્યક છે. વિટામિન ડીનો કુદરતી સ્ત્રોત સૂર્ય છે પરંતુ તમે તેને સપ્લીમેન્ટ્સ, ગ્રીલ્ડ સાલ્મન ફિશ અથવા ખાટી ચીજવસ્તુઓમાંથી પણ મેળવી શકો છો.


પ્રોટીન


હાડકામાં મજબૂતી લાવવા માટે પણ પ્રોટીન જરૂરી છે. હાડકાના ફ્રેક્ચર પછી પ્રોટીન તમારા શરીરને સાજા કરવામાં મદદ કરે છે. તમને ડેરી ઉત્પાદનોમાં પ્રોટીન મળે છે. દૂધ, ચીઝ, દહીં પ્રોટીનના સારા સ્ત્રોત છે. આ સિવાય કોળાના બીજ, મગફળી, ટોફુ, જામફળ અને શ્રીફળમાં પણ સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે.       


અન્ય વિટામિન્સ અને મિનરલ્સ


હાડકાંને મજબૂત કરવા માટે મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ ખૂબ જ જરૂરી છે. આ માટે તમારા આહારમાં પાલક અને સોયાબીનમાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ કરો. આ સિવાય વિટામીન-કે , વિટામીન સી અને વિટામીન એ પણ ખૂબ જ જરૂરી છે. તમે તમારા આહારમાં ખાટા ફળો, ટામેટાં, ગાજર, લીલા શાકભાજી, માંસ, ઈંડા, બદામ અને કાજુ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.