Kidney Disease: ઘણા લોકો વધુ પાણી પીવું સારું માને છે. કેટલાક લોકો એવા છે કે જેઓ જરૂરિયાત કરતા વધુ પાણી પીતા જોવા મળે છે. પરંતુ શું વધુ પાણી પીવું યોગ્ય છે? આવો જાણીએ...


દર વર્ષે 9 માર્ચે 'વર્લ્ડ કિડની ડે' ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને કિડની સંબંધિત રોગો અને સમસ્યાઓ વિશે જાગૃત કરવાનો અને આ રોગનો ફેલાવો ઘટાડવાનો છે. કિડનીની તંદુરસ્તી જાળવવા માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ વધુને વધુ પાણી પીવું જોઈએ, જેથી ઝેરી તત્વો  શરીરમાંથી બહાર નીકળી શકે અને કિડની સ્વસ્થ રહે. ઘણા લોકો વધુ પાણી પીવું સારું માને છે. કેટલાક લોકો એવા છે કે જેઓ જરૂરિયાત કરતા વધુ પાણી પીતા જોવા મળે છે. પરંતુ શું વધુ પાણી પીવું યોગ્ય છે?


એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, માનવ શરીર મોટાભાગે પાણીનું બનેલું છે. આપણા શરીરનો લગભગ 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. આપણને વિવિધ કાર્યોમાં તેની જરૂર છે. આ પાણી શરીરના અંગોમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે. વિવિધ કોષોમાં પોષણનું પરિવહન કરે છે. સાંધાને લુબ્રિકેટ કરે છે અને ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે. જો તમે પૂરતું પાણી ન પીતા હોવ તો ડિહાઈડ્રેશનની સમસ્યા ઊભી થઈ શકે છે. સમજદારીપૂર્વક અને પૂરતી માત્રામાં પાણી પીવાથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. વધુ પડતું પાણી પીવાથી ઓવરહાઈડ્રેશન અને પાણીનો નશો થઈ શકે છે.


જો તમે વધુ પડતું પાણી પીશો તો શું થશે?


પાણીનું વધુ પડતું સેવન કરવાથી નશો થઈ શકે છે અને મગજની કામગીરીમાં અવરોધ આવી શકે છે. આ ત્યારે થાય છે જ્યારે શરીરના કોષોમાં (મગજના કોષો સહિત) વધારે પાણી એકઠું થાય છે, જેના કારણે તે ફૂલી જાય છે. જ્યારે મગજના કોષો ફૂલે છે, ત્યારે મગજ પર દબાણ વધે છે. આ કારણે તમે મૂંઝવણ, માથાનો દુખાવો અને સુસ્તી જેવા લક્ષણોનો અનુભવ કરી શકો છો.


વધારે પાણી પીવાના સંકેતો



  1. પેશાબના રંગમાં ફેરફાર

  2. વાંરવાર બાથરૂમ જવું પડે છે

  3. તરસ ન લાગે તો પણ પાણી પીવું

  4. ઉબકા અથવા ઉલટી જેવી લાગણી


એક દિવસમાં કેટલું પાણી પીવું યોગ્ય છે?


દરરોજ કેટલું પાણી પીવું જોઈએ તે તમે રોજિંદા ધોરણે કેવા પ્રકારની પ્રવૃત્તિ  કરો છો તેના પર આધાર રાખે છે. દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાત અલગ-અલગ હોય છે. તમને કેટલા પાણીની જરૂર છે તે આ 4 આધારો પર નક્કી કરી શકાય છે.



  1. શારીરિક પ્રવૃત્તિનું સ્તર

  2. આબોહવા

  3. શરીરનું વજન

  4. જાતિ


આ પરિબળો પર આધાર રાખીને, વ્યક્તિએ દરરોજ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ.