Kidney Stone: કિડની સ્ટોન એટલે કે પથરી ખુબ ગંભીર અને દર્દનાક સ્થિતિ છે. તેનાથી છુટકારો મેળવવા સમયસર તેની જાણ  થવું જરૂરી છે. કિડની સ્ટોન શરૂઆતમાં શરીરમાં કેટલાક સંકેત આપે છે, જો તમે પણ આ સંકેતોને સમજીને ચેતી જશો તો તેનો ઈલાજ સમયસર કરી શકશો. 


આજના સમયમાં કિડની સ્ટોનની સમસ્યા ખુબ જ સામાન્ય થઇ ગઈ છે. કિડની સ્ટોન એટલે કે પથરીની શરૂઆત નાના પાયેથી થાય છે શરૂઆતમાં તો તેની ખાસ જાણ  થતી નથી  પણ જયારે  તે ગંભીર  રૂપ લે છે ત્યારે અસહ્ય દર્દનો ભોગ બનવું પડે છે, જે તમારા દિવસનું ચેન અને રાતની ઊંઘ છીનવી લે છે. 


કિડનીનું મુખ્ય કામ લોહીનું શુદ્ધિ કરીને અશુદ્ધિઓને મૂત્રમાર્ગે બહાર કાઢવાનું છે. જે કચરાને કિડની શરીરની બહાર નથી કાઢી શકતી તે ધીરે ધીરે જમા થઈને સ્ટોનમાં પરિવર્તિત થાય છે જેને મેડીકલ ભાષામાં કિડની સ્ટોન કહેવામાં આવે છે. 


પથરી થવાના ઘણા કારણો છે અને આથી જ તેની શરૂઆત થાય તે પહેલા તેના લક્ષણોને જાણી લેવા જરૂરી છે. શરીરમાં લાંબા સમય સુધી જો તેનો નીકાલ ન કરવામાં આવે તો કિડની ફેઈલ પણ થઈ શકે છે. 
Kidney Stone: શરીરના આ લક્ષણોને અવગણશો તો, થઇ શકે છે પથરી


કિડની સ્ટોન છે શું?


કિડની સ્ટોનને નેફ્રોલીથ પણ કહેવાય છે અને મોટા ભાગે કેલ્શિયમ અને યુરિક એસીડથી બનતા ખનીજના સંગ્રહથી થાય છે. પથરીની સાઈઝ રાઈના દાણાથી લઈને ટેનીસ બોલ સુધીની હોઈ શકે છે.  પથરી ત્યારે બને છે જયારે તમે જે ખોરાક લો છો અને તેમાંથી નીકળતી અશુદ્ધિઓ કિડની અથવા તો પેશાબની નળીમાં જમા થવા લાગે છે. આ સમસ્યા મોટા ભાગે તેવા લોકોને ખાસ થાય છે જે લોકો પાણી ખુબ ઓછું પીવે છે. 


કોને રહે છે કિડની સ્ટોનનું સૌથી વધારે જોખમ?


જે લોકો ડાયાબિટીઝ અથવા મોટાપાથી પીડાય છે તેમને પથરી થવી એ સામાન્ય બાબત છે. પથરી જ્યારે કિડનીની આસપાસ બને છે અને નાના કદમાં હોય છે ત્યારે ખાસ તકલીફ આપતી નથી પરંતુ જ્યારે તે પેશાબની નળી સુધી પહોચે છે ત્યારે ભયંકર પીડા અને ઘણી સમસ્યાઓને સાથે લાવે છે. જો પથરીનું કદ નાનું હોય તો તે યુરીન વાટે શરીરની બહાર નીકળી જાય છે પણ જો તેની સાઈઝ મોટી હોય તો ઓપરેશન કરાવવું પડતું હોય છે. 


શું છે પથરીના લક્ષણો: 


જો કોઈ વ્યક્તિના શરીરમાં નાના કદની પાથરી હોય તો તે ખાસ મુશ્કેલી ઉભી કરતી નથી પણ જો તેની સાઈઝમાં વધારો થવા લાગે તો તમારું શરીર તમને આ 4 સિગ્નલ્સ દ્વારા જાણ કરે છે. 


1. પીઠ,પેટ, કમરની આસપાસ દુખાવો:


કિડની સ્ટોન ભયંકર દુઃખાવાજન્ય હોય છે. જ્યારે પથરી પેશાબની નળીમાં જતી રહે છે અને બહાર નીકળવામાં તેને તકલીફ થાય છે ત્યારે કિડની પર દબાવ આવવાથી દુખાવો થાય છે. આ દુખાવો ગમે તે સમયે, ગમે તે જગ્યાએ શરુ થઈ શકે છે. પીઠ અને કમરની આસપાસ આ દુખાવો થાય છે. સાથે જ તે મોટા ભાગે અસહ્ય હોય છે, જયારે પથરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે પણ દુખાવાનું કારણ બને છે. 


2.પેશાબ દરમિયાન દુખાવો કે બળતરા:


જો પથરી પેશાબની નળીમાં કે પેશાબની થેલીની આસપાસના હિસ્સામાં હોય તો યુરીન પાસ કરતી વખતે તકલીફ પડે છે, મોટા ભાગે દુખાવો કે બળતરા થાય છે, જે પથરી હોવાના સંકેત છે. 


3.પેશાબમાં લોહી પડવું:


તેનું એક સામાન્ય લક્ષણ પેશાબમાં લોહીનું પડવું છે જેને હેમટ્યુરીઆ પણ કહે છે. પેશાબ લાલ, ગુલાબી રંગનું પણ હોઈ શકે છે. ઘણીવાર લોહીની માત્રા ઘણી ઓછી હોય છે કે તેણે નરી આંખે જોઈ પણ શકાતું નથી. 


4. પેશાબમાં દુર્ગંધ આવવી:


જો તમારા પેશાબનો કોઈ રંગ નથી અને તેમાંથી કોઈ તીવ્ર દુર્ગંધ આવતી નથી તો તમે બિલકુલ સ્વસ્થ છો. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ પથરીની બીમારીથી પીડાય છે તો તેના પેશાબમાં તીવ્ર દુર્ગંધ આવે છે. પેશાબમાં દુર્ગંધ બેક્ટેરિયાના લીધે આવે છે જેનું કારણ પેશાબની નળીમાં સ્ટોનનું સંક્રમણ છે.