Water Bottle Rules: પાણીની બોટલને લઈને ટૂંક સમયમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બજારમાં વેચાતી અનેક પ્રકારની પાણીની બોટલો ટૂંક સમયમાં બજારમાંથી ગાયબ થવા જઈ રહી છે. સૌથી મોટો ફટકો બહારથી દેશમાં લાવવામાં આવી રહેલી પાણીની બોટલો પર પડશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આ અંગે નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે. હવે પાણીની બોટલ માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નું પ્રમાણપત્ર મેળવવું પડશે. જો કોઈ કંપની પાસે આ પ્રમાણપત્ર નથી તો તે આ બોટલો વેચી શકશે નહીં. આ નિર્ણયની સૌથી વધુ અસર પાણીની બોટલની આયાત પર પડશે.
કોપર, સ્ટેનલેસ અને એલ્યુમિનિયમની બોટલો આયાત કરવામાં આવી રહી છે
અત્યારે દેશની મોટાભાગની કંપનીઓ કોપર, સ્ટેનલેસ અને એલ્યુમિનિયમની પાણીની બોટલો આયાત કરી રહી છે. BIS સંબંધિત આ નિયમ લાગુ થયા બાદ હવે તેમને દેશમાં જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવું પડશે. ICICIના રિપોર્ટ અનુસાર, આ નિર્ણયથી મોટી કંપનીઓને ફાયદો થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કંપનીઓને BIS પ્રમાણપત્ર મેળવવા માટે 24 જૂન સુધીનો સમય આપ્યો છે. આ પછી ઘણી બોટલ બ્રાન્ડ રિટેલ અને ઈકોમર્સ ઉદ્યોગમાંથી ગાયબ થઈ શકે છે.
સેલો, મિલ્ટન અને પ્રેસ્ટિજ પણ ઉત્પાદન કરી રહ્યાં નથી.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, હાલમાં સેલો, મિલ્ટન અને પ્રેસ્ટિજ સહિતની મોટા ભાગની કંપનીઓ પાણીની બોટલની આયાત પર નિર્ભર છે. ભારતમાં કોપર, સ્ટેનલેસ અને એલ્યુમિનિયમની પાણીની બોટલોનું ઉત્પાદન નહિવત છે. હવે નવો નિયમ લાગુ થયા બાદ કંપનીઓએ વધુ આયાત ડ્યૂટી ચૂકવવા તૈયાર રહેવું જોઈએ અથવા તો તેમણે આવી બોટલો દેશમાં જ બનાવવી પડશે.
નાની કંપનીઓએ ખરાબ અસર થવાની આશંકા વ્યક્ત કરી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગયા વર્ષે જૂલાઈમાં જ આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય 6 મહિનામાં લાગુ કરવાનો હતો. પરંતુ હવે તેનો અમલ જૂન, 2024માં કરવામાં આવી રહ્યો છે. સેલો અને મિલ્ટન જેવી મોટી કંપનીઓએ હાલમાં આ મામલે મૌન જાળવી રાખ્યું છે. પરંતુ નાની કંપનીઓએ આશંકા વ્યક્ત કરી છે કે નવા નિયમોની તેમના પર ખૂબ જ ખરાબ અસર પડશે. આ કંપનીઓનો માર્કેટમાં લગભગ 30 ટકા હિસ્સો છે.