Eye Makeup: દરેક મહિલાને સુંદર દેખાવું હોય છે. બધા કરતાં કઈક અલગ દેખાવવા માટે તે ઘણો ખર્ચ પણ કરતી હોય છે. બજારમાં અવનવી પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ છે. જે ઘણી ખર્ચાળ હોય છે. ત્યારે આજે અમે તમને મેકઅપમાં પણ આંખોની સુંદરતા તમે કઈ રીતે વધારી શકશો તે જણાવીશું.


આ રીતે કરો આંખોનો મેકઅપ 


તમારી સુંદરતા વધારવામાં આંખોની મોટી ભૂમિકા હોય છે. ખાસ કરીને જ્યારે તમે તમારી આંખોને મેકઅપથી હાઇલાઇટ કરો છો. આવી સ્થિતિમાં મેકઅપ કરતી વખતે આંખોની ખાસ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જેથી તમારી આંખો વધુ સુંદર દેખાય. કેટલીક છોકરીઓ ચહેરા પર મેક-અપ કરે છે પરંતુ આંખોમાં માત્ર આઈલાઈનર જ છોડી દે છે. જેના કારણે આંખોની આસપાસનો વિસ્તાર નિસ્તેજ દેખાય છે. આવી સ્થિતિમાં તમારે આંખનો મેકઅપ કરતી વખતે કેટલીક મૂળભૂત બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


આંખો પર સૌપ્રથમ પ્રાઈમર લગાવો


તમે જ્યારે પણ આંખનો મેકઅપ શરૂ કરો છો તો સૌપ્રથમ પ્રાઈમર લગાવો. પ્રાઈમર લગાવવું ખૂબ જ જરૂરી છે. જે તમારી આંખના પોપચાંની આસપાસની ક્રિઝ લાઇનને છુપાવવામાં મદદ કરશે. સાથે જ તમારી આંખનો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે.


આઈ ક્રીમ લગાવવી ખૂબ જ જરૂરી


આઈ ક્રીમ લાગુ કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દોડધામભરી જિંદગીમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને ડાર્ક સર્કલ ન હોય. આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે લાઇટ આઇ ક્રીમ લગાવો. તેનાથી તમારી આંખોની નીચે ભેજ પણ જળવાઈ રહેશે અને ડાર્ક સર્કલ પણ લાઇટ દેખાશે.


કલર કરેક્ટર


જો તમારી આંખ આસપાસ વધારે માત્રામાં ડાર્ક સર્કલ છે તો તમારે કલર કરેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારો મેકઅપ આંખોની નીચે સારી રીતે ભળી જશે. ઘાટ્ટા ડાર્ક સર્કલ માટે નારંગી રંગનો કલર કરેક્ટર યોગ્ય રહેશે.


કલર આઈલાઈનર


જો તમે પાર્ટીમાં જાવ છો, તો તમે કલર આઈલાઈનરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ રંગનું આઈલાઈનર લગાવી શકો છો પરંતુ તેને બ્લેક કલરથી હાઈલાઈટ કરો. તેનાથી તમારી આંખો વધુ સુંદર લાગશે.